ચૂંટણીસભાઓ પર રોક 22મી સુધી લંબાવાઈ

નવી દિલ્હી, તા. 15: પાંચ રાજ્યમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોરોનાની રફતારને ધ્યાને લઈને ચૂંટણી પંચે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે રોડ શો અને રેલી જેવી રાજકીય ગતિવિધિ ઉપર પ્રતિબંધને લંબાવ્યા છે. ચૂંટણી આયોગે પ્રતિબંધોને 22 જાન્યુઆરી સુધી લંબાવ્યા છે. આ અગાઉ 15 જાન્યુઆરી સુધી રોડ શો અને રેલી ઉપર રોક મૂકવામાં આવી હતી.ચૂંટણી આયોગ 22મી જાન્યુઆરીના ફરીથી સમીક્ષા કરશે. ત્યાં સુધી રાજકીય દળોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ઇનડોર સભાહોલમાં ક્ષમતાથી અડધા લોકો સાથે સભા કરી શકાશે. જો કે વધુમા વધુ 300 લોકો જ હાજર રહી શકશે. રાજકીય દળોને ચેતવણી આપી છે કે તેઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરે. રાજ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે કોરોના પ્રોટોકોલને ધ્યાને રાખીને તમામ રાજનીતિક દળોના નેતાઓ, કાર્યકરો અને જનતાની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવે જ્યારે નિરિક્ષકોને સચેત રહેવા અને જનતાની નજરમાં રહેવા કહેવામાં આવ્યું છે. જેથી લોકો પણ કોરોના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરે. આ અગાઉ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણી તારીખોનું એલાન કરતા સમયે ચૂંટણી પંચે મહામારીને ધ્યાને લઈને 15 જાન્યુઆરી સુધી રેલીઓ અને જનસભાઓ ઉપર રોક લાદી દીધી હતી. ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણી અભિયાનને લઈને દિશાનિર્દેશો જારી કર્યા હતા. જેમાં શેરીઓમાં થતી સભા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા પાંચ નિશ્ચિત કરવામાં આવી હતી તેમજ મતગણતરી બાદ વિજય સરઘસ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer