યોગી આદિત્યનાથ ગોરખપુરથી મેદાનમાં
નવી દિલ્હી /લખનૌ, તા.15 : ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 107 ઉમેદવારોની પહેલી સૂચિ જાહેર કરી છે જેમાં સૌથી ચોંકાવનારું નામ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રહ્યું હતું. તેમને પક્ષે ગોરખપુર શહેરી વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલાં તેમનું નામ અયોધ્યાથી નક્કી માનવામાંઆવી રહ્યું હતું. યુપીમાં પહેલા અને બીજા તબક્કાની કુલ 113 બેઠકની ચૂંટણીને ધ્યાને રાખીને પક્ષે આ જાહેરાત કરી હતી. ભાજપ દ્વારા જારી સૂચિમાં અન્ય પછાત વર્ગ અને એસસી ઉમેદવારોનું વર્ચસ્વ જણાઈ રહ્યું છે. દરમ્યાન, યોગીના ગોરખપુરથી ઉમેદવારીની જાહેરાતે સમાજવાદી પક્ષે કટાક્ષ કરતાં કહ્યું કે પક્ષે તેમને પહેલાં જ ગોરખપુર મોકલી દીધા છે.ભાજપે જાહેર કરેલી પહેલી યાદીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વખતે ભાજપ ઓબીસી ઉમેદવારોનાં સહારે વિજય સુનિશ્ચિત કરવાનાં પ્રયાસમાં છે. કારણ કે યુપીની ચૂંટણી રાજનીતિમાં ઓબીસી મતની ભૂમિકા મહત્ત્વની બની રહેતી હોય છે. પહેલી યાદીમાં 107 ઉમેદવારોમાંથી 44 ઓબીસી, 19 એસટી અને 10 મહિલાઓનાં નામ સામેલ કરાયા છે.કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પક્ષના મહામંત્રી અરુણસિંહે નવી દિલ્હી સ્થિત પક્ષની મુખ્યકચેરીએ એક પત્રકાર પરિષદમાં ઉમેદવાર સૂચિની જાહેરાત કરી હતી.પક્ષે ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને સિરાથુ બેઠકથી ઉમેદવાર ઘોષિત કર્યા છે. પક્ષે આજે પહેલા અને બીજા ચરણની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા હતા જોકે, ગોરખપુરમાં છઠ્ઠા ચરણમાં ત્રીજી માર્ચે ચૂંટણી થવાની છે. સિરાથુમાં પણ પાંચમા ચરણમાં મતદાન થવાનું છે. સૂચિમાં નોએડાથી ફરીથી પંકજસિંહને ટિકિટ આપવામાં આવી છે. તેઓ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના પુત્ર છે. ભાજપે આજે જાહેર કરેલી સૂચિમાં 20 ધારાસભ્યની ટિકિટ કાપી છે અને વર્તમાન 83માંથી 63 ધારાસભ્યને જ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 107 બેઠક પર 44 અન્ય પછાત વર્ગ (ઓબીસી), 19 પર અનુસૂચિત જાતિ અને 10 મહિલાને તક આપવામાં આવી છેઉલ્લેખનીય છે કે સીએમ યોગી હાલમાં વિધાનપરિષદના સભ્ય છે અને તેઓ પાંચ વખત ગોરખપુરથી સાંસદ રહી ચૂક્યા છે.દરમ્યાન, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે યોગીના નામની ઘોષણા બાદ કટાક્ષ કરતાં કહ્યું હતું કે પહેલાં કહેતા હતા કે અયોધ્યાથી લડશે, મથુરાથી લડશે, ક્યારેક પ્રયાગરાજથી લડશે.. મને ગમ્યું કે પહેલાં જ ભાજપે તેમને ગોરખપુર મોકલી દીધા. હવે તેઓ ત્યાં જ રહે. ત્યાંથી અહી આવવાની જરૂર નથી.