નર્મદાની મુખ્ય શાખાનું કામ ફરી ઘોંચમાં

ભુજ, તા. 15 : કચ્છમાં નર્મદાનાં વધારાનાં પાણી માટે કિસાનોની લડત ગંભીર બની છે, તેની વચ્ચે નર્મદાનાં નિયમિત પાણી મોડકૂબા પહોંચાડતી મુખ્ય શાખાનું કામ પણ હજુ ઘોંચમાં પડયું છે. સમાઘોઘાથી કોડાય વચ્ચે 4.50 કિલોમીટરમાં ખેડૂતોના ફળાઉ વૃક્ષો કાપવાના થતા હોવાથી પૂરતા વળતર મુદ્દે સંમતિ સધાઈ નથી ને હવે તો કોન્ટ્રાક્ટરો પણ ભાગી જાય તેવી નોબત સામે આવી છે. 4.50 કિલોમીટરની નહેરનું બાકી રહેતું કામ આગળ વધારવા વળતરની સંમતિ સાધવામાં આવી નથી. બે દિવસ પહેલાં કલેક્ટર અને લોકપ્રતિનિધિઓ, ખેડૂતો તથા સિંચાઈ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કિસાનોએ નુકસાન થતાં ફળાઉ ઝાડની કિંમત માગી હતી. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કિસાનોની માગણી પ્રમાણે 4.50 કિ.મી.માં વૃક્ષો પ્રમાણે રૂપિયા 2.50 કરોડ ચૂકવવા પડે, પરંતુ આ રકમ માટે સરકાર પાસેથી મંજૂરી માગવાની વાત આવતાં ખેડૂતોએ જણાવ્યું કે, પહેલાં વળતર આપો પછી જ કામ કરવા દેવાશે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, કલેક્ટર, સિંચાઈ વિભાગના અધીક્ષક એસ.બી. રાવ, જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ વગેરેની હાજરીમાં મળેલી બેઠકમાં સંમતિનો દોર વધુ એક વખત નિષ્ફળ ગયો હતો. એક બાજુ કચ્છના કિસાન સંઘ દ્વારા વધારાનાં પાણી અંગે વહીવટી મંજૂરીની માગણી કરવામાં આવે છે તેની વચ્ચે કચ્છના સિંચાઈ તંત્રે મુખ્ય શાખા નહેરનું પાણી મોડકૂબા પહોંચાડવાની માર્ચની મહેતલ આપવામાં આવી હતી, પરંતુ હજુ તો મૂળ પાણી પણ મોડકૂબા પહોંચાડવામાં વિઘ્નો નડી રહ્યા છે તો સવાલ એ થાય છે કે, વધારાનાં પાણીના કામ કેવા થશે ? આ અંગે સિંચાઇ વિભાગના અધીક્ષક ઇજનેર શ્રી રાવનો સંપર્ક સાધતાં તેમણે પણ મોડું થયું હોવાની વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, અમે કામ કરવાના છીએ, પરંતુ જમીન અંગે તો ખેડૂતોએ સહકાર આપવાનો છે, પરંતુ સહકાર નહીં મળતાં વિલંબ થાય છે એ હકીકત છે. જમીન સંપાદન થઇ ગઇ છે, વળતર પણ અપાયું છે, પરંતુ નહેરના કામમાં જે ખેતરોમાંથી કેનાલ પસાર થવાની છે એ સમાઘોઘાથી કોડાય વચ્ચેની 4.50 કિ.મી. જમીનમાં વૃક્ષો કાપવાના થાય છે તેના વળતર પેટે રૂા. 2.50 કરોડ માગવામાં આવ્યા છે. અમે ખાતરી આપી કે, સહકાર આપશે એટલે આપી દેશું, પરંતુ પૈસા પહેલાં આપો પછી જ કામ કરવા દેવાશે એવું જણાવતાં હવે સાવ થોડા કામ માટે મોડું થાય છે. ખાસ કિસ્સામાં મંજૂરી લેવી પડે તેમ હોવાથી સરકાર પાસેથી નાણા માટે પરવાનગી માગી છે, પરંતુ કામની સમયમર્યાદા પૂરી થતાં કોન્ટ્રાકટર પણ કામ છોડીને ચાલ્યા જાય છે. નવા ટેન્ડર કરવાથી વધુ મોડું થઇ શકે છે, તેમણે પણ માર્ચ સુધી પાણી મોડકૂબા પહોંચે તેવી શક્યતા હવે દર્શાવી નથી.

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer