ભુજની જનરલ હોસ્પિટલમાં દૈનિક બે હજાર કોવિડ સ્વેબનું પરીક્ષણ

ભુજ, તા. 15 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં વર્ષ 2022ની શરૂઆતથી જ કોરોનાએ માથું ઊંચકતાં અત્રેના માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત મોલિક્યુલર લેબમાં રોજના 2,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિની નજરે આ પરીક્ષણની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે.માઇક્રોબાયોલોજી વિભાગના હેડ અને પ્રો. ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યું હતું કે, દૈનિક ધોરણે 2,000 ટેસ્ટ કરવા 10 ટેકનિશિયનો અને ડેટા ઓપરેટર કામગીરી કરી રહ્યા છે. અદાણી મેડિકલ કોલેજમાં આઇ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કચ્છમાં કોરોના દેખાવા લાગ્યો એ સાથે જ 7મી મે 2020થી આરટીપીસીઆર ટેસ્ટનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું અને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં આરટીપીસીઆરના પરીક્ષણની સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઇ છે.દરમિયાન આ વર્ષે કોરોના સાથે ઓમિક્રોન પણ દેખા દેતાં પરીક્ષણ કરવામાં આવતા સ્વેબના નમૂનાઓ પૈકી કેટલાક કિસ્સાઓમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ અમુક પરીક્ષણ ઓમિક્રોનની શક્યતાની નજરે જીનોમિક સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે.દરમિયાન અત્રેની મોલિક્યુલર લેબમાં રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની અંદર જ્યાં આરટીપીસીઆર પરીક્ષણ સેન્ટર શરૂ કરવાના હોય તે માટે ટેકનિશિયન અને તબીબને  તાલીમ આપવામાં આવે છે. માંડવી માટે શરૂ થનારા સેન્ટરના સ્ટાફને છેલ્લા બે દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer