ધોનીનો વારસો સંભાળશે રવીન્દ્ર જાડેજા ?
નવી દિલ્હી, તા.15 : આઇપીએલ ર0રરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ મહેન્દ્રસિંહ ધોનીનાં સ્થાને રવીન્દ્ર જાડેજાનાં નેતૃત્વમાં મેદાનમાં ઉતરી શકે છે. એવી ચર્ચા ઉઠી છે કે ધોનીએ ચેન્નાઈ ટીમના નવા સુકાની તરીકે જાડેજા પર કળશ ઢોળ્યો છે અને આગામી શ્રેણીમાં જાડેજા ધોનીનો વારસો સંભાળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક ટ્વિટથી પણ આવો જ સંકેત મળે છે.મીડિયા રિપોર્ટ અનુસાર, ચેન્નાઈની ટીમ હવે યુવા ખેલાડીઓ તૈયાર કરી રહી છે. ટીમમાં મોટી ઉંમરના ખેલાડીઓ અંગે અગાઉ ટીમની આલોચના થઈ હતી જેથી બદલાવનો સંકેત આપતા આઇપીએલ ર0રરમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સુકાની તરીકે ધોનીનાં સ્થાને જોવા મળી શકે છે. આઇપીએલ મેગા ઓક્શન પહેલા ટીમ મેનેજમેન્ટ મોટો દાવ ખેલી શકે છે. આગામી સિઝન માટે ટીમે જાડેજાને નં.1 ખેલાડી તરીકે 16 કરોડમાં જ્યારે ધોનીને નં.ર ખેલાડી તરીકે 1ર કરોડમાં રિટેઈન કરવામાં આવ્યો હતો. 40 વર્ષીય ધોનીએ વર્ષ ર0ર0માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે ધોનીના ભાવી આયોજનને ધ્યાને લઈ રવીન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવી શકે છે.ધોની ટીમના મેન્ટર તરીકે જોવા મળી શકે છે. ઓલરાઉન્ડર જાડેજા પાસે નેતૃત્વનો અનુભવ નથી જે જોતા આઇપીએલ તેના માટે પ્લેટફોર્મ બની રહેશે અને ધોનીનો તેને સાથ મળી રહેશે.