ઉત્તરાયણ પર્વે પતંગ દોરીથી ઇજાના બે કેસમાં 108 દ્વારા તાત્કાલિક સારવાર
ગાંધીધામ, તા. 15 : ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઈજા થવાના અને અન્ય તત્કાલ સારવારના કેસમાં 108 એમ્બ્યુન્સની ટીમે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામમાં ચેનલના કેબલમાં પગ અટવાઈ જતાં નીચે પડતાં પગમાં અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. હરેશ થાવરદાસ સેવાણીને 108 દ્વારા સારવાર આપી હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. આ ઉપરાંત પતંગની દોરીથી ઈજા પહોંચવાના બે કેસ નોંધાયા હતા. રાપર તાલુકાના ભીમદેવકા ગામમાં માધવાવાંઢ વાડીવિસ્તારમાં રહેતા ગીતાબેન કાનજી કોળીને પ્રસૂતિની પીડા ઊપડી હતી. વાડીવિસ્તારમાં સ્થળ ઉપર ગંભીર પરિસ્થિતિ જણાતાં 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને નિષ્ણાતની સલાહ લઈ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળકને ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. પરિવારે 108 અને કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઈ.એમ.ટી. મુકેશ ઠાકોર, પાઈલટ પંજીભાઈ ઠાકોર, ગાંધીધામમાં ઈ.એમ.ટી બટુકભાઈ, પાઈલટ સત્યરાજસિંહ રાઠોડે સેવા આપી હતી.