ખોળ અને ભૂસાંના વધતા ભાવ સામે માલધારીઓ ચિંતિત

હોડકો (તા.બન્ની), તા.15 : ખોળ ભૂસાંના ભાવ વધતા માલધારીઓ પર થતા ભારણ માટે દુધના ભાવવધારા બાબતે અને હાલ ચાલી રહેલી માલધારી સમાજની લડતને સમર્થન અંગે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.હાલે ખોળ ભૂસાંના ભાવો આસમાને પહોંચ્યા છે જે ભાવ વધારા અંગે મિલ માલિકો ઉપર કોઈ લગામ નથી જેના કારણે પશુમાલિકો આર્થિક સંકટોમાંથી પસાર થઈ રહ્યા છે અને દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડી રહી છે સાથે માલધારીઓની લડતને સમર્થન આપી અને અમારા વિસ્તારની માંગણીઓ સાથે સૂર પુરાવીએ છીએ.બન્ની વિસ્તાર જે પશુપાલકોનો પ્રદેશ છે જેનો આર્થિક જીવન પશુપાલન અને દૂધ ઉત્પાદનની રોજીંદી આવક પર આધારિત વિસ્તાર છે. પાછલા વર્ષમાં મોડેથી વરસાદ અને વખતો વખતના કુદરતી આપત્તિરૂપ માવઠાંના કારણે એક તરફ સીમાડાના ખુલ્લા મેદાનોમાં કુદરતી ઘાસને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ખોળ ભૂસાંના ભાવ વધતા માલધારી વર્ગ કફોડી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યો છે. બન્નીનું કુદરતી ઓર્ગેનિક ઘાસ ચરિયાણ કરી 50 ટકા ઓર્ગેનિક દૂધ હાલ ડેરીઓને રાજદાણ અને મિનરલ મિકચર તરફ પ્રેરવાના પ્રયાસો કરે છે. જે બન્નીના પશુઓ જેવા ખુલ્લા ચરિયાણોમાં ચરતા પશુઓ માટે ઉપયોગી નથી. ફેટ અને દુધની ગુણવત્તા માટે ખોળ ભૂસું જ ઉપાય છે. જેથી બન્ની અને બન્ની ભેંસના દૂધ માટે અલગ ભાવ નક્કી કરવામાં આવે અથવા સમગ્ર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ માટે અલગ ભાવ નક્કી કરવામાં આવે અને ભાવ વધારો થઈ શકે તો જ આ વ્યવસાય ટકી શકે તેમ છે તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું. સરકારની યોજના મંડળીઓમાં દૂધ ભરાવતા પશુપાલકોને આપવાને બદલે તમામ પશુપાલકોને લાભ મળી શકે તેવી ગાઈડલાઈન નક્કી થાય તો જ તમામ પશુપાલકોને સંકટ સમયમાં લાભ મળી શકે તો તે અંગે રાજય સરકાર પાસે અવાજ પહોંચાડી પશુપાલકોના હીતમાં સત્વરે સુચારુ નિર્ણય લેવાય જે અંગે ઘટતું કરવા પત્રમાં માંગણી કરાઈ હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer