ચકુવાંઢ શાળામાં મીટર વિના આવતા વીજબિલ મામલે વીજતંત્રને નોટિસ અપાઈ
રાપર, તા. 15 : તાલુકાના ગવરીપર ગ્રામપંચાયત હેઠળ આવતી ચકુવાંઢ ગામની પ્રાથમિક શાળામાં મીટર વિના આવતા વીજબિલ મામલે વીજતંત્રને કાનૂની નોટિસ આપી આ મામલે પખવાડિયામાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. અરજદારદેવાભાઈ રાયમલ કોલીએ એડવોકેટ સુરેશ આર. મકવાણા મારફત રાપર પી.જી.વી.સી.એલ.ના નાયબ કાર્યપાલક ઈજનેરને નોટિસ આપી છે. કાનૂની નોટિસમાં જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા વીજ જોડાણ ન હોવા છતાંય ખોટા અને બનાવટી દસ્તાવેજ ઊભા કરીને સાચા તરીકે ઉપયોગ કરીને ગંભીર પ્રકારનો ગુનો આચરાયો છે. સરકારી શાળાઓમાં ફરજિયાત વીજળીની સુવિધા આપવાની રહે છે, પંરતુ માત્ર ને માત્ર કાગળ ઉપર જ શાળામાં લાઈટ બતાવીને ભારત દેશના કાયદા વિરુદ્ધ ગંભીર પ્રકારનું કૃત્ય વીજતંત્રએ આચર્યું હોવાનું નોટિસમાં જણાવાયું છે.વર્ષ 2016માં રહેવાસીઓએ વીજ જોડાણ મેળવવા રકમ ભરી છે.ત્યારથી અત્યાર સુધીની થયેલી કાર્યવાહીની વિગતો અને 0731755 નંબરના મીટરના તમામ દસ્તાવેજી આધાર-પુરાવા આપવા નોટિસ મળ્યાના 15 દિવસમાં આપવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ જવાબ આપવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.