ગાંધીધામમાં રસ્તા તૂટવાનું કારણ દૂર કરવામાં પાલિકા તંત્રને રસ જ નથી
ગાંધીધામ, તા. 15 : શહેર સંકુલમાં નગરપાલિકા દ્વારા ચોમાસા દરમ્યાન તૂટી ગયેલા માર્ગોની મરંમત નવા માર્ગો બનાવવાના કામો હાથ ધરાયા છે. જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં બનેલા આર.સી.સી. રસ્તાને સિમેન્ટથી મરંમતના બદલે ડામર ચડાવી દેવાની ઘટના સામે આવી છે. ખરેખર તો વરસાદી પાણી કયાંય ભરાઈ ન રહે તેવા પાણી નિકાલના નાળા બનાવવા જરૂરી છે. પરંતુ તેમાં પાલિકાને ગમે તે કારણે રસ નથી. નાગરિકોના જણાવ્યા પ્રમાણે રસ્તાની ડિઝાઈન, ઢોળાવ, બંને તરફથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વગેરે બાબતોમાં પાલિકાનું ઈજનેરી કૌશલ્ય ચર્ચાની એરણે છે. સુંદરપુરી અને શક્તિનગર વચ્ચેના રસ્તાનું જૂનું વરસાદી નાળું દબાણમાં જતા પાલિકાએ દબાણ હટાવવાની કપરી કામગીરી ટાળવા રસ્તાની વચ્ચોવચ્ચ નાળું બનાવ્યું છે. જેમાંથી પુરતો પાણી નિકાલ શકય નથી. આવી જ રીતે અપનાનગરના `એ' વિસ્તારનું નાળું પણ વર્ષો પહેલાં ગાયબ થઈ ગયું છે. અહીં ગોપાલપુરીથી ઓસ્લોનો માર્ગ એક તરફથી ઊંચો અને બીજી તરફથી નીચો બનાવાયો છે. જે તરફથી માર્ગ ઊંચો છે તે અપનાનગર `એ' વિસ્તારની ગલીઓમાંથી પાણી નીકળતાં નથી. આથી ત્યાં આરસીસી રોડ બન્યા છે હવે આ રોડ ઉપર ડામર પાથરીને પાલિકા શું કરવા માંગે છે તે મોટો પ્રશ્ન છે. પાલિકાએ કાળક્રમે ગુમ થયેલા વરસાદી નાળા પુન: બનાવવા જોઈએ.ભૂતકાળમાં રૂા. 15 કરોડ ખર્ચીને કયાંક નવાં નાળા બનાવાયા પણ તેમાં જરૂર છે તે વિસ્તારોનો સમાવેશ થયો નથી.બુદ્ધિજીવીઓ પાલિકાને વરસાદી પાણી ભરાય, રસ્તા તૂટે તેમાં જ રસ છે, નાળા બનાવવામાં રસ નથી. તેવો ગંભીર આક્ષેપ, કરી રહ્યા છે. આશ્ચર્ય વચ્ચે વિપક્ષ કોંગ્રેસ પણ શહેરની સમસ્યાઓને લઈને જોઈએ તેવી સક્રિય નથી. પરિણામે નાગરિકોના નાણાનો વ્યય થઈ રહ્યો હોવાની લાગણી બળવતર થઈ છે.