ક્રાઇમ કોર્નર : નવીનાળથી શિરાચા માર્ગે બાઇકના ચાલકનું મૃત્યુ
ભુજ, તા. 15 : મુંદરા તાલુકામાં નવીનાળથી શિરાચા જતા માર્ગ ઉપર આપે છકડો રિક્ષા સાથેના અકસ્માતમાં બાઇકના ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ ગઇકાલે સવારે આ અકસ્માત થયો હતો. મરનાર બાઇકચાલકને માથાંમાં ગંભીર ઇજાઓ થઇ હતી, જે તેના માટે મૃત્યુનું કારણ બની હતી. મરનારના ભાઇ સાલે મુસ્તફા સૈયદ દ્વારા છકડાના ચાલક હમીદ સાલેમામદ સામે ગુનો દાખલ કરાવાયો હતો. - મોખામાં મંદિરના માર્ગ પર લગાવાયેલી તકતી તોડાઇ : ભુજ, તા. 15 : મુંદરા તાલુકાના મોખા ગામે ગામના રામદેવપીર મંદિરના રોડ ઉપર લગાડવામાં આવેલી તકતી તોડી નાખી નુકસાન કરાયાની ફરિયાદ લખાવાઇ હતી. મોખાના દામજી કરસન મેરિયા દ્વારા આ મામલામાં ગામના લક્ષ્મણ ગોપાલ મેરિયા અને ગોપાલ મેરિયા સામે ગુનો દાખલ કરાવાયો હતો. કેસના ફરિયાદીએ તેમના માતા-પિતાની સ્મૃતિમાં આ તકતી લગાડી હતી, જેને તોડાઇ હતી. તો આ બાબતે કહેતાં આરોપીઓએ ધાકધમકી સાથે ગાળાગાળી પણ કરી હતી, તેવું ફરિયાદમાં લખાવાયું છે. - સગીરાના લાપતા કેસમાં અપહરણનો ગુનો નોંધાયો : ભુજ, તા. 15 : તાલુકામાં કંઢેરાઇ ગામના વાડીવિસ્તારમાં લાપતા બનેલી સગીર વયની કન્યાના કિસ્સામાં પોલીસે અજ્ઞાત આરોપીઓ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વ્યવસાયે ખેતમજૂર એવા કન્યાના પિતાએ આ બાબતે ફરિયાદ આપ્યા બાદ પદ્ધર પોલીસે આ કેસ દાખલ કર્યો હતો. ફોજદાર વી.બી. ઝાલાએ છાનબીન હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. - મસ્કામાં પ્રતિબંધિત ચીની દોરા વેચતો વિક્રેતા પકડાયો : ભુજ, તા. 15 : માંડવી તાલુકાના મસ્કા ગામે ઉત્તરાયણ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા વેચતા ગામના ઉલ્લાસગર શંભુગર ગુંસાઇને પકડી પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરાયણના આગલા દિવસે ગુરુવારે બપોરે માંડવી પોલીસે આ કાર્યવાહી કરી હતી. મસ્કામાં રામવાડી જૂનાવાસ વિસ્તારમાં રહેતો આરોપી તેના ઘરના આગળના ભાગે ઓટલા ઉપર આ સામગ્રી વેચતાં મળ્યો હતો. તેની પાસેથી ચાઇનીઝ દોરાની રૂા. 4600ની 23 રીલ કબ્જે કરાઇ હતી. - મિરજાપરમાં મકાન ખાલી ન કરવા મામલે લેન્ડ ગ્રેબિંગ : ભુજ, તા. 15 : શહેરના પાદરમાં આવેલા મિરજાપર ગામે ભાડે રાખેલું મકાન ભાડાંકરાર મુદત પૂર્ણ થયા બાદ પણ ખાલી ન કરવાના કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ ધારા તળે ફોજદારી કાર્યવાહી કરાઇ હતી.પોલીસના જણાવ્યા મુજબ મિરજાપરના મનોજ પ્રેમજી ગોરસિયાએ આ બાબતે ગામના જ રેખાબેન હિરાલાલ હીરાણી સામે આ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.