ભુજમાં સરાજાહેર મહિલાનાં પાકીટની ચીલઝડપ કરનારો યુવાન ઝડપાયો
ભુજ, તા. 15 : શહેરમાં નગરપાલિકા કચેરીના દરવાજા નજીક દ્વિચક્રીસવાર મહિલાના પાકીટની ચીલઝડપ થવાના કેસમાં પોલીસે મૂળ ફરાદી (માંડવી)ના અને હાલે ભુજમાં કોડકીરોડ સ્થિતત બકાલી કોલોનીમાં રહેતા અસલમ ઇસ્માઇલ સમાને પકડી પાડી પોલીસે આ ઘટનાનો તાગ મેળવી લીધો હતો. બે દિવસ પહેલાં સાંજના સમયે નગરપાલિકા કચેરીના દરવાજા નજીક સ્કૂટી મોપેડ ઉપર જઇ રહેલાં બે મહિલા પૈકી એક જણના હાથમાંથી પાકીટ ઝૂંટવી જવાઇ હતી. આ ઘટના બાદ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીદારો પાસેથી મળેલી વિગતો અને ટેકનિકલ સર્વેલન્સના ઉપયોગ સાથે આરોપીને ભુજમાં રહીમનગર ખાતે નર્સરીની બાજુમાંથી પકડી પાડયો હતો. આ બનાવને અંજામ આપવામાં આરોપી સાથે એક કિશોર વયના છોકરાની ભૂમિકા રહ્યાનું પણ બહાર આવ્યું છે.પોલીસ સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી અસલમ પાસેથી રૂા. 8400 રોકડા, ત્રણ મોબાઇલ ફોન અને બાઇક કબ્જે કરાયા હતા. આ ઇસમની એ-ડિવિઝન પોલીસ મથકમાં સોંપણી બાદ તેની સઘન પૂછતાછ આરંભાઇ છે, જેમાં તેણે આવા અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે વિશે કડીઓ મેળવાઇ રહી છે.આ ગુનાશોધન કાર્યવાહીમાં કાર્યકારી ઇન્સ્પેકટર એચ.એમ. ગોહિલ અને સબ ઇન્સ્પેકટર આઇ.એચ. હિંગોરા સાથે એલ.સી.બી. સ્ટાફના સભ્યો જોડાયા હતા.