રત્નાકર બેન્કના ચકચારી કેસમાં જેન્તી ઠક્કરને જામીન
ભુજ, તા. 15 : રત્નાકર બેન્કના 29.94 કરોડના આર્થિક ગોટાળાવાળા મામલામાં મુખ્ય આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ને રાજ્યની વડી અદાલત દ્વારા નિયમિત જામીન આપતો આદેશ કરાયો હતો. વર્ષ 2013માં અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારના 119 ખેડૂતના ખોટા આધારો રજૂ કરી તેમના નામે બોગસ ધિરાણ મેળવવાનો આ કિસ્સો સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા જુલાઇ-2020માં ફોજદારી સ્વરૂપે દાખલ કરાયો હતો. હાઇકોર્ટમાં જેન્તીલાલ ઠક્કર માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણીમાં બન્ને પક્ષે વિવિધ દલીલો થઇ હતી. ન્યાયાધીશે સુનાવણીના અંતે જામીન આપતો આદેશ કર્યો હતો. આરોપી તરફે હાઇકોર્ટમાં વકીલ તરીકે કૃતિબેન શાહ અને સ્થાનિકે અમિત એ. ઠક્કર સાથે કે.કે. સંઘાર અને પી.બી. મકવાણા રહ્યા હતા.