પૂર્વ કચ્છમાં મારામારીના ચાર બનાવમાં આઠ જણ ઈજાગ્રસ્ત

ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ, અંજાર તાલુકાના મેઘપર બોરીચી, રાપર તાલુકાના થોરિયારીમાં મારામારીના ચાર જુદા-જુદા બનાવમાં આઠ જણને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોચી હતી.ગાંધીધામના બનાવ મામલે મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. - ગાંધીધામમાં પરિવાર ઉપર હુમલો  : શહરેના ખોડિયાર નગરમાં સામાન્ય બાબતે સાત જણાએ  છ જણા ઉપર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો દર્જ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવ  ગત તા. 14ના બપોરે 3 વાગ્યાના અરસામાં ખોડિયાર નગરમાં બન્યો હતો. આરોપીઓ વિશાલ વર્મા, રોહિત, સુનિલ નિષાદ, મુકેશ ચૌહાણ, સૂરજ નિષાદ, ઉપેન્દ્ર નિષાદ અને સિકંદરે ફરિયાદી સતેન્દ્ર પ્રસાદના પિતાને લોખંડના પાઈપ વડે માર મારી  મોઢાના ભાગે ઈજા પહેંચાડી હતી અને સાહેદ પુષ્પાબેન, મીનાદેવી, કિરણબેન, સંધ્યાબેન, સન્નીને લાકડાંના ધોકા વડે માર મારી મૂંઢમાર જેવી ઈજા પહોંચાડી હતી. આરોપી વિશાલ અને ફરિયાદીના ભાઈ સન્ની સાથે છ મહિના પૂર્વે બોલાચાલી થઈ હતી, જે અંગેનું મનદુ:ખ રાખી આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું હતુ. - મેઘપર (બો)માં આધેડને છરી મારી : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં એક શખ્સે આધેડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 13ના રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી નીલેશ વિનોદ મકવાણાએ ફરિયાદી ગણેશ વીરચંદ મકવાણા ઉપર છરી વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી ફરિયાદીના ઘર પાસે માથાકૂટ કરતો હતો તે મુદ્દે  સમજાવતાં આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસે કહ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  -  થોરિયારીમાં ધોકા વડે હુમલો  : રાપર તાલુકાના થોરિયારીમાં પાંચ શખ્સોએ  યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ ગત તા. 13ના સાંજે 7.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ નીલેશ મનજી કોલી, રમેશ દાના કોલી, રાહુલ ગોવિંદ કોલી, હિતેશ દિનેશ કોલી, ભાયલુ બચુ કોલીએ ફરિયાદી ધારાભાઈ માલાભાઈ ભરવાડ ઉપર ધોકા વડે હુમલો કરતાં આંખના ભાગે ઈજા પહોંચી હતી, તેમને ત્રણ ટાંકા આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.  - ગાંધીધામમાં દુકાનમાં તોડફોડ  : ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં  શખ્સે દુકાનમાં તોડફોડ કરી હતી. પોલીસ સૂત્રો  પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 14ના  બપોરે 2.30 વાગ્યાના અરસામાં સુંદરપુરીમાં તોયબા મસ્જિદ પાસે બન્યો હતો.  ફરિયાદી સંજય રામચંદ્ર સુંદરરાયની દુકાનમાં આરોપી કાસમઅલી ઉર્ફે કાશેલી અનવરઅલીએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.  દુકાનમાં તોડફડ કરી પતંગો ફાડી નાખ્યા હતા. પતંગના વધુ પૈસા કેમ લીધા તેમ કહી આરોપીએ દુકાનમાં નુકસાન કર્યું હતું અને ધારિયાથી માર મારવાનો પ્રયાસ કર્યો હતે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer