મેઘપર (બો.)માં બંધ મકાનમાંથી 2.50 લાખની ચોરી
ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી, સોનાં-ચાંદીના દાગીના, ઈલેકટ્રોનિક સાધનો સહિત રૂા. 2.50 લાખની મતાની હાથ સફાઈ કરીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મોટી રકમની ચોરીના બનાવના પગલે પોલીસ બેડાંમાં ભારે દોડધામ થઈ પડી હતી. બીજી બાજુ પશ્ચિમ કચ્છમાં પણ તસ્કરોએ બે સ્થળે હાજરી પુરાવી રોકડ રકમ સહિત 36,800ની મતાની ચોરી કરી હતી.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ મેઘરપર બોરીચીના વિજયનગર વિસ્તારમાં મકાન નંબર 222માં બન્યો હતો. ગત તા. 13ના સવારે 8 વાગ્યાથી તા. 14ના બપોરે 3.30 વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે તસ્કરોએ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.તસ્કરોએ હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી મહેશ ઉર્ફે મન્નુ ભવાનભાઈ જોષી ઘર બંધ કરીને બહાર ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ બંધ ઘરના દરવાજાનાં તાળાં તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. ચોર હરામખોરોએ ઘરમાં તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને કબાટમાં પડેલા દાગીના અને અન્ય સામાન ચોરી કરી ગયા હતા. તિજોરીમાં રાખેલા લેડીઝ પર્સમાં રૂા. 1.10 લાખની કિંમતના બે મંગળસૂત્ર, 45 હજારની કિંમતની સોનાની રુદ્રાક્ષ માળા, 35 હજારની કિંમતનું સોનાનું ડોકિયું, 13 હજારની કિંમતની સોનાની ત્રણ નંગ વીટી, 20 હજારની કિંમતનું સેમસંગ કંપનીનું એલ.સી.ડી સહિતની માલમતા ચોરી જવાઈ હતી. ફરિયાદી પોતાના ઘરે બપોરે આવતા ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઠંડીના વધતા જતા પ્રકોપ સામે તસ્કરોનો પ્રકોપ પણ વધતો જાય છે.ઉપરાઉપરી ચોરીના બનતા બનાવોથી લોકોમાં જાનમાલની સુરક્ષા બાબતે ચિંતાની લાગણી પ્રસરી છે. બનાવની જાણ થતાં અંજાર પોલીસની ટુકડીએ ઘટનાસ્થળે જઈને બનાવનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ભુજ તાલુકાના ખાવડા ગામમાં પણ રહેણાક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત તા. 11ના રાત્રિથી તા. 12ના સવારના અરસામાં બનાવ બન્યો હતો. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને કાળા કલરના થેલામાં રાખેલા રોકડા રૂા. 18,800 તફડાવી ગયા હતા. ફરિયાદી અનશ નૂરમામદ સુમરા પેટ્રોલપંપમાં નોકરી કરે છે. આ રકમ ડીઝલના વેચાણની હોવાનું પોલીસે કહ્યું હતુ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં ચોરીનો બનાવ ગત તા. 13ના બપોરના અરસામાં અજન્તા ઈન્ડસ્ટ્રીઝની સાઈટ ઉપર બન્યો હતો. કોઈ ચોર હરામખોરો રવાપર ગામની નદી ઉપર લાગેલું વોટર લેવલ રેકોર્ડર મશીન તફડાવી ગયા હતા. ચોરાઉ મશીનની કિંમત રૂા. 21 હજાર આંકવામાં આવી છે. પોલીસે દિલીપસિંહ રમેશસિંહ ભદોરિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.