નખત્રાણા પંથકમાં વાયરની તસ્કરી કરનારી ટોળકી કાયદાના સકંજામાં
ભુજ, તા. 15 : નખત્રાણા વિસ્તારમાં વિવિધ પ્રકારના વાયરની તસ્કરીઓ કરવામાં સામેલ એક ટોળકીને ઝડપી પાડવામાં સ્થાનિક પોલીસે સફળતા મેળવી છે. આ ટોળીના પાંચ ઇસમને પકડાયા છે અને તેમની પાસેથી રૂા. અઢી લાખથી વધુની ચોરાઉ સામગ્રી કબ્જે કરવામાં આવી છે.નખત્રાાણા પોલીસની ઇન્સ્પેકટર બી.એમ. ચૌધરીની રાહબરીમાં થયેલી આ ગુનાશોધન કાર્યવાહીમાં ટોડીયાના ઇમરાન અઝિઝ ચાકી, આશાલડીના મામદ કરમખાન જત, સુમાર અમધા જત અને ઇભરામ હુશેન જત તથા માતાનામઢના હાજી ઇશા મામદ જતને પકડાયા છે. પોલીસ સાધનોએ આપેલી આ વિગતો મુજબ આરોપીઓ વાયરની ચોરાઉ સામગ્રી લઇને આરોપીઓ તેની વેચસાટ માટે ભુજ તરફ આવવા નીકળ્યા હતા ત્યારે સહાયક ફોજદાર મુકેશ સાધુની બાતમીના આધારે તેમને ટોડીયા ફાટક ખાતેથી ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી રૂા. 1.80 લાખની કિંમતના એક હજાર મીટર વાયરના ફિંડલા, રૂા. 75 હજારની કિંમતનો મિનિ ટેમ્પો તથા રૂા. સાત હજારના મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.82 લાખની માલસામગ્રી કબ્જે કરાઇ હતી. આરોપીઓએ આ વાયર વીગોડીની સીમમાંથી ચોરીની કેફિયત આપી છે. પોલીસે તેમની પુછતાછ અવિરત રાખી છે.