કચ્છમાં વડી કચેરીનો સપાટો : 2.90 કરોડની વીજ ચોરી ઝડપી

ભુજ, તા. 6 : વડોદરાની પીજીવીસીએલની ઉચ્ચ કચેરીની ટીમે ગઇકાલે રાત્રે કચ્છમાં દરોડામાં સપાટો બોલાવી છ સ્થળો પરથી કુલ રૂા. 2.90 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. આમાં ધોરડો વિસ્તારના રિસોર્ટ તથા હોમ સ્ટેનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ કાર્યવાહી જારી રહેશે. આમ વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મુખ્ય તકેદારી અધિકારી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી જોઇન્ટ એક્ઝિકયુટીવ ડાયરેકટર એચ. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જીયુવીએન.એલ. બી. સી. ઠક્કર દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવીને રવિવારે કચ્છમાં મુખ્ય ધોરીમાર્ગની હોટલો, ઢાબા, મીઠાના અગર, કોલ્ડ સ્ટોરેજ, સ્ટોન માઇન, રિસોર્ટ વિગેરે સ્થળો પર ખાનગી બાતમીના આધારે રાત્રિ દરમ્યાન સપાટો બોલાવી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં છ સ્થળો પર વીજચોરી થતી હોવાની ગેરરીતિ જણાઇ હતી અને 2.90 કરોડની વીજચોરી ઝડપાઇ હતી. આમાં ભચાઉ ક્ષેત્રના બાનિયારીમાં લક્ષ્મણભાઇ અરજણભાઇ વાઘેલાના મીઠાના અગરમાંથી 40 લાખની વીજચોરી તો માંડવી વાંઢમાં ઉમેશભાઇ હરિલાલ સેંઘાણીના બેન્ટોનાઇટ ક્રશર પ્લાન્ટમાંથી એક કરોડની વીજચોરી તેમજ અબડાસા તાલુકાના જખૌના અલવી આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાં પણ એક કરોડની વીજ ચોરી ઝડપાઇ છે. આ ઉપરાંત મુંદરા ક્ષેત્રના ફાચરિયામાં મદનભાઇ રામભાઇ રબારીના સ્ટોન માઇનમાંથી 20 લાખની તો ધોરડો બાજુના ખાવડા ક્ષેત્રના ગોરેવાલીના સફેદ રણના જી. કે. રિસોર્ટમાંથી 25 લાખની તેમજ ગોરેવાલીમાં જ અનુસૂચિત જાતિના ખજુરિયા સયાના રિસોર્ટમાંથી પણ 4.20 લાખની વીજચોરી ઝડપાઇ છે. આમ આ દરોડા બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક તપાસ હાથ ધરાશે તેવું રાજકોટની કચેરીની યાદીમાં જણાવી ઉમેર્યું હતુંકે, આગામી દિવસોમાં પીજીવીસીએલના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના વિવિધ વીજ જોડાણોની તપાસ કામગીરી ચાલુ જ રહેશે. આમ દરોડા થકી વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્તમાંના અનેક એવા સ્થળો છે જ્યાં અગાઉ વીજચોરી સિવાય ગેરરિતી ઝડપાઇ છે, જેમ કે, બાનિયારામાંના મીઠાના અનેક અગરોમાં વીજ ટાવરમાંથી ગેરકાયદે વીજળી મેળવી મીઠાના અગરો ધમધમી રહ્યા છે. તો વાંઢના બેન્ટોનાઇટના પ્લાન્ટમાં તાજેતરમાં જ એલસીબીએ દરોડા પાડી ખનિજ ચોરી ઝડપી હતી ત્યારે પણ વીજચોરીની આશંકા સામે આવી હતી. બીજી તરફ કચ્છમાં રણોત્સવના પગલે ધોરડો બાજુના ધોરીમાર્ગ પર અને ગામોમાં ગેરકાયદે રીતે હોમ સ્ટે તથા રિસોર્ટ ધમધમી ઊઠયા છે. અગાઉ આ વિસ્તારમાં પાણી ચોરીની બૂમ પણ ઊઠી હતી. નોંધનીય છે કે, આજ વિસ્તારમાં ઊંડા ઉતરીને વધુ તપાસ થાય તો હજુ પણ કરોડો રૂપિયાની વીજચોરી ઝડપાવાની સંભાવના જોવાઇ રહી છે. દરમ્યાન જખૌના આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી વીજચોરી ઝડપાઇ છે. આ વીજચોરી લાંબા સમયથી ચાલતી હોવાની સંભાવના છે ત્યારે સ્થાનિક તંત્રનું ધ્યાન કેમ ન ગયું ? તેવા પણ સવાલો ઊભા થયા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer