કચ્છમાં ઓક્સિજનના 15 પ્લાન્ટની ક્ષમતા દૈનિક 1572 સિલિન્ડર

કિશોર ગોર દ્વારા ભુજ, તા. 6 : કોરોનાની બીજી લહેરની ચરમસીમા વખતે કચ્છમાં ઓક્સિજનની અછતથી દર્દીઓના મોતની ફરિયાદો ઊઠતી રહી હતી તે દરમ્યાન ઉદ્યોગો માટેના સિલિન્ડરોથી કામ નિપટાવાતું. આ વચ્ચે કચ્છ બહાર સિલિન્ડરો મોકલી દેવાતા હોવાના સરકાર સામે આક્ષેપો ઊઠયા હતા. હાલે કચ્છમાં મેડિકલ ઓક્સિજનના કાર્યરત પ્લાન્ટ અને નખાઇ રહેલા પ્લાન્ટ ઉપરાંત લિક્વિડ ઓક્સિજન ટેન્ક સહિતની આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો 4462 સિલિન્ડરે આંક પહોંચ્યો છે, જે સંપૂર્ણ પુરવઠો કાર્યરત થાય અને દર્દીઓ સુધી પહોંચે તો 1100 જેટલા બેડ સુધી ઉપલબ્ધ થાય. જો કે, વાસ્તવિકતા અંગેની પ્રાપ્ત વિગતો મુજબ 16 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે તેની 1572 સિલિન્ડરની ક્ષમતા ઉપરાંત પ્રવાહી ઓક્સિજન ટેન્કના 2 હજાર મળી 3572 જેટલી દર્શાવાય છે જે 900 જેટલા બેડ જેટલી થાય. એક સિલિન્ડર વેન્ટિલેટર ઉપરના દર્દીને બેથી ત્રણ કલાક ચાલે જ્યારે સાદા ઉપયોગમાં છથી સાત કલાક. આમ 24 કલાકમાં ચાર સિલિન્ડરની ખપત રહે. જી. કે. જનરલ હોસ્પિટલમાં પાંચ અને ભુજની એમ.એમ.પી.જે. હોસ્પિટલમાં 1 ઓક્સિજન પ્લાન્ટ બીજી લહેરમાં ચાલુ હતા, ત્યારબાદ અન્ય તૈયાર કરાતા ગયા છે. વેન્ટિલેટરના પ્રાપ્ત આંકડા મુજબ બાળકો માટે પાંચ અને મોટા માટેના 45 છે. કોરોનાની બીજી લહેરની પરાકાષ્ઠાએ 350 બેડ હતા ત્યારે 24 કલાકમાં ગંભીર દર્દીદીઠ અંદાજે 11 સિલિન્ડરની જરૂરત ઊભી થતી હતી. હવે 600 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે જોડાયા છે. જી.કે.ના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણીએ જણાવ્યું કે, સરકારે ઓમિક્રોન વેરિઅંટ માટે અલગ વોર્ડ રાખવા સૂચના આપી છે. હાલે 91 બેડ પેન્ડિંગ છે. જી.કે.માં 2 હજાર સિલિન્ડર ઓક્સિજન જેટલી ક્ષમતાવાળી 20 હજાર કિલોલિટર લિક્વિડ ઓક્સિજનની ટેન્ક છે. તેની સાથે સેન્ટ્રલ લાઇન જોડાયેલી છે. આ ટેન્ક ભરવા લિક્વિડ ઓક્સિજનનું ટેન્કર મગાવવું પડે. તેની રિફિલિંગ કોસ્ટ એક વાહનની રૂા. 3.50 લાખ થાય. આ મેડિકલ લિક્વિડ ઓક્સિજન રિલાયન્સ-જામનગર, આઇનોક્સ એર પ્રોડક્ટ-વડોદરા, લીન્ડે કોર્પોરેશન-મુંબઇ પૂરી પાડે છે. લિક્વિડને રેપોરાઇઝર ગેસમાં રૂપાંતર કરવું પડે. આ ઓક્સિજન પ્લાન્ટની જવાબદારી વહન કરતા બાયોમેડિકલના વડા ભાવેશભાઇ પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ઓક્સિજન પ્લાન્ટના સંચાલન માટે આઇટીઆઇના છાત્રો તાલીમ માટે આવ્યા હતા. તેમની નિમણૂક સરકાર કરશે. સિલિન્ડરની એમ્બ્યુલન્સમાં, ટી.બી.ના દર્દીઓના વિભાગમાં ઉપરાંત વોર્ડમાં બેડની સંખ્યા વધારવી પડે તો તે વધારાના બેડના દર્દીને સિલિન્ડર આપવું પડે. પીએસએ પ્લાન્ટ જાતે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. બીજી લહેરમાં જી.કે.માં અને એમએમપીજે-લેવા પટેલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત હતા. ત્યારબાદ ઉમેરાતા ગયા તે વધીને 15 હાલે કાર્યરત છે. આઠ પ્લાન્ટનું કામ ચાલુ છે અને બે ખાનગી હોસ્પિટલમાં પ્લાન્ટ નાખવાની કાર્યવાહી ચાલુમાં છે. 135 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પીએમ કેર ફંડમાંથી ફાળવાયા છે. જેમાંથી 78 પાંચ લિટર અને 5710 લિટર ક્ષમતાવાળા છે, જે કચ્છની વિવિધ પીએચસી અને સીએચસીને એકથી બે ફાળવાયા છે. ઉપરાંત 43 પીએમ કેર-ઇસીઆરસી-2 ફંડમાંથી મળ્યેથી ફાળવાશે તેવું ડો. અમીન અરોરાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer