ત્રીજી લહેર સામે તૈયારી માટે પોર્ટલ બનાવાયું

ભુજ, તા. 6 : કોરોનાના કાળની વિકટ સ્થિતિ દરમ્યાન દર્દીઓને સમાવવા હોસ્પિટલો ખૂટે ત્યારે ખાનગી સહિતના દવાખાનાઓને મંજૂરી અપાઇ ખરી પણ તેમાંય દર્દીઓને દાખલ કરવા પથારીઓ ખૂટી હતી. જે દર્દીઓને બેડ નસીબ થયા તેમને રેમડેસીવીર જેવી દવા અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડયો ત્યારે હવે નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો તો ફેલાવો ઝડપભેર થઇ રહ્યો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે ત્યારે કચ્છમાં પણ તંત્ર સતર્ક થઇ અગાઉની જેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ધીમેધીમે આગળ વધતું હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સોફ્ટવેરમાં વિગતો સમાવાઇ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 2245 બેડ નોન આઇસીયુ અને 282 આઇસીયુવાળા કાર્યરત છે. હોસ્પિટલોની તૈયારી અંગે પૂછતાં જાણવા મળ્યું કે માત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાં 91 બેડનો કોન્ટ્રાક્ટ છે. કચ્છ યુનિ. ખાતે ઊભી કરાયેલી સમરસનો હજુ આરોગ્ય તંત્ર પાસે કબજો છે. અગાઉની જેમ ખાનગી હોસ્પિટલોએ કોવિડ દર્દીઓને દાખલ કરવા મંજૂરી માંગી નથી કે તંત્રે પણ?આ અંગે જાહેરનામા દ્વારા કોઇ સ્પષ્ટતા કરી નથી. જી.કે. જનરલમાં હાલે કોઇ કોવિડ દર્દી દાખલ નથી. સરકારની સૂચના મુજબ જરૂર જણાય તો કોરોના અને ઓમિક્રોનના દર્દીઓ માટે અલગ-અલગ વોર્ડની વ્યવસ્થા કરી શકાશે તેવું ગેઇમ્સના સૂત્રો જણાવે છે. અગાઉ જે ખાનગી સંસ્થાઓ અને સરકારી રાહે ક્વોરન્ટાઇન સેન્ટર ઊભા કરાયા હતા તે હાલે અસ્તિત્ત્વમાં નથી. જામનગરના ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા દર્દીની જાણકારી મળતાં મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજી ત્રીજી વેવને લઇ ત્વરિત તૈયારી માટે સૂચના આપી છે. આ અંગે કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢકને પૂછતાં તેમણે જણાવ્યું કે, ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને તાલીમ અપાઇ ચૂકી છે. ત્રીજા વેવની તાલીમ-તૈયારી માટે નોડલ તરીકે ડો. સીજુને નિયુક્ત કરાયા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ત્યાંના અધિક્ષક અને પ્રા. આ. કેન્દ્ર-સબ સેન્ટર માટે તાલુકા આરોગ્ય અધિકારી સ્તરે તાલીમ અપાઇ હતી. વડોદરાથી સ્ટેટ હેલ્થ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેમિલી વેલ્ફેર દ્વારા નિદર્શન સાથે સમજ અપાઇ હતી. તો બે-અઢી મહિના અગાઉ રાજ્યકક્ષાએથી ડો. કમલેશ ઉપાધ્યાયના ભુજ અને ગાંધીધામ આઇ.એમ.એ. માટે વર્કશોપ યોજાયા હતા. પ્રચાર-પ્રસાર માટે પોલિયોની જેમ માઇક્રો પ્લાન તૈયાર કરાયો છે, ઘર ઘર રસીકરણ માટે જતી ટીમ ઘર ઉપર માર્કેશન કરે છે અને કોવિડ અનુરૂપ ચર્ચા કરે છે - જૂથ ચર્ચા કરાય છે. વિદેશથી ખાસ તો હાઇ રિસ્કવાળા 11 દેશોમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય વિમાનમથકે રેપિડ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ કચ્છમાં આવ્યેથી હોમ આઇસોલેટેડ કરાશે. ટી.એચ.ઓ. નક્કી કરશે તે આર.બી.એસ.કે. ટીમ તપાસ કરશે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ-વેન્ટીલેટર અને બાયપેપવાળા 282 કાર્યરત છે. પી.એમ. કેર ફંડમાંથી મળ્યા છે તે સાથે 410 સુધી વધારાશે. નોન આઇસીયુ-ઓક્સિજન બેડ 2245 છે જેને 2424 સુધી લઇ જવાના છે. થર્ડ વેવની તૈયારીના ભાગરૂપે સોફ્ટવેર ગુજરાત સરકાર ત્રીજી લહેરની સંભાવનાની નજરે તૈયારીના ભાગરૂપે સોફ્ટવેર `ગુજરાત એપેડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ' બનાવ્યું છે. આ પોર્ટલમાં બીજી લહેરમાં કાર્યરત તમામ કોવિડ હોસ્પિટલના આઇ.ડી. પાસવર્ડ બનાવાશે. 48ના બની ગયા છે. તેમાં રોજેરોજની ઉપલબ્ધ પથારી, ઓક્સિજન, દવાઓ, ઇન્વેન્ટરી-પીપીઇ કીટ, માસ્ક વગેરે દરેક કચ્છની હોસ્પિટલો પોતાના આઇડીથી જાણી શકશે. પણ એન્ટ્રી માત્ર પોતાની વિગતોની કરી શકશે. જરૂરત જણાયે સમરસ ઉપરાંત સીએચસી ચાલુ કરી શકાય છે. ખાનગી ડોક્ટરોને જોડાવા સૂચના આપી હોવાનું ડો. માઢકે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer