ભીંસરાની સીમમાંથી `િવરાટ'' ગુમ થતાં ચકચાર

ભીંસરાની સીમમાંથી `િવરાટ'' ગુમ થતાં ચકચાર
મોટા લાયજા (તા. માંડવી), તા. 6 : તાલુકાના ભીંસરા ગામની સીમમાંથી ગત તા. 2/12ના `િવરાટ' નામનો બાળક ગુમ થઇ જવાની ઘટનાએ સમસ્ત પંથકમાં ચકચાર જગાવી છે. સમગ્ર પંથકમાં ચૂંટણીની ચર્ચાઓ પર આ ઘટના હાવી થઇ રહી છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાયા કરે છે કે માસૂમ ભૂલકાને આખર સીમ ગળી ગઇ કે આસમાન ? પોલીસ તપાસ વચ્ચે પણ હજી સુધી કોઇ સુરાગ હાથ લાગ્યા નથી. ઘટનાની વિગત એવી છે કે ગત તા. 2-12ના ભીંસરા નજીકની સીમમાં આવેલા મહેશ્વરી ફૂફલ પરિવારના આસ્થા સ્થાન જુમાદાદા ફુફલના સમાધિ સ્થળે ફુફલ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોટડા (રોહા) ગામના પરિવારની સાથે વિરાટ રાણાભાઇ ફુફલ (ઉ.વ. 5) પણ આવ્યો હતો. દરમ્યાન 11.30ના અરસામાં રમતાં રમતાં થોડે દૂર ગયેલું બાળક એકલું પડી જતાં ગુમ થઇ ગયું હતું. ઉપસ્થિતો અને ભીંસરા, મોટા લાયજા, બાડા, જનકપુર વગેરે પંથકના ગામોના અગ્રણીઓ-યુવાનોએ સીમમાં વ્યાપક શોધખોળ આદરી હતી પણ પતો ન લાગતાં માંડવી પોલીસને જાણ કરાઇ હતી. માંડવી પો. સ્ટેશનના પી.આઇ. શ્રી ગોહિલની રાહબરી હેઠળ પોલીસ પણ છાનબીનમાં જોડાઇ હતી. ડોગ સ્કવોડની મદદ લેવા છતાં કોઇ સુરાગ હાથ ન મળતાં લોકોમાં તર્ક-વિતર્ક સાથે ચકચાર મચી જવા પામી હતી. રાત-દિવસની વ્યાપક શોધખોળ વચ્ચે કોઇ જાતના સગડ ન મળતાં સ્થાનિક લોકોમાં પણ ભય સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. બાળક જ્યાંથી ગુમ થયું ત્યાં બાજુમાં તળાવ અને જાહેર કોસ્ટલ હાઇવે પસાર થતો હોઇ લોકોમાં વ્યાપક શંકા-કુશંકાઓએ જોર પકડયું છે. જાગૃત નાગરિકોમાં થતી ચર્ચા મુજબ બાળ-તસ્કરી જેવી કોઇ ઘટના હોય તો ખરેખર સમગ્ર પંથમ માટે ચિંતાનો વિષય છે તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જે હોય તે પણ વ્યાપક છાનબીનને અંતે ઘટનાના પાંચમા દિવસે પણ કોઇ જાતનો સુરાગ ન મળતાં ઘટનાની ગંભીરતા વધી ગઇ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer