આજથી ખારી નદી અંતિમધામે `જય ભૂતનાથ'' ગુંજશે

આજથી ખારી નદી અંતિમધામે `જય ભૂતનાથ'' ગુંજશે
ભુજ, તા. 6 : સનાતન હિન્દુ સંપ્રદાયમાં દેવાધિદેવનું સ્થાન ધરાવતા અને સ્મશાન ગૃહમાં જ રહીને સર્જન-વિસર્જનની જીવમાત્રની પ્રક્રિયા કરતા મહાદેવનાં કચ્છમાં અનેક મંદિરો, શિવાલયો છે પણ ઉત્તરવાહિની ખારી નદીના કાંઠે બિરાજતા ભૂતનાથ મહાદેવનો મહિમા અનેરો છે. એક તો અસલનું સ્મશાન અને ઉપરથી ભૂતનાથ મહાદેવ એટલે પછી સ્થાનક ચેતનવંતુ ન હોય એવું કેમ બને ? આ મંદિર ખૂબ પ્રાચીન છે. કચ્છના મહારાવ વિજયરાજજીનાં હસ્તે એનો જીર્ણોદ્ધાર થયાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. દાયકાઓની કાળમી થપાટોથી જીર્ણ થયેલા આ શિવાલયનો હવે શ્રી ભૂતનાથ સેવાસંસ્થાન ટ્રસ્ટ ભુજ અને શ્રી ભૂતનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના ભગીરથ પ્રયાસોથી એક વધુ જીર્ણોદ્ધાર સંપન્ન થયો છે અને કોરોનાકાળના લીધે મોકૂફ રહેલ શિવ પરિવારની પુન: પ્રાણપ્રતિષ્ઠા વિધિ માટે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ સાથેનો ત્રણ દિવસીય મહોત્સવ તા. 7-12થી મહારુદ્ર યજ્ઞના આરંભ સાથે પ્રારંભ થશે. કોરોના ગાઇડલાઇન અનુસાર યોજાતા આ મહેત્સવમાં પ્રસંગને લઇને ભાવિકોમાં ખાસ્સો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને મંદિર સાથોસાથ અંતિમધામ સમસ્ત સંકુલની રોનક જ બદલાઇ ગઇ છે. ભુજ શહેરમાં સાડા ચાર સદીનાં જાજરમાન ઇતિહાસ સાથે સંકળાયેલા આ દેવાધિદેવનાં પૂર્વાભિમુખ શિવાલયનાં એક વધુ જીર્ણોદ્ધારમાં મૂળ માનકૂવાના હાલ મસ્કત નિવાસી  અર્પિતાબેન ધનસુખભાઇ લીંબાણી, નિશા ધનસુખભાઇ, યશ ધનસુખભાઇ અને ધનસુખભાઇ હરજીભાઇ લીંબાણી (પટેલ) સમસ્ત પરિવારનું મસમોટું રૂા. 1,11,11,111નું આર્થિક યોગદાન છે, તો મસ્કત સત્સંગ મંડળ, મસ્કત હિન્દુ મહાજન, મસ્કત ગુજરાતી સમાજે પણ મસ્કતમાં જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી જણ-જણને પ્રેરિત કરી એકત્ર કરેલી મોટી રકમ પણ આ સંકુલનાં નવનિર્માણમાં મોટું યોગદાન આપી રહી છે. આ મંદિર શિવાલય, દત્ત ટેકરી, દત્ત ધૂણો, સંતકુટિર, યજ્ઞશાળા, ગોરખનાથ મઢી, સપ્તઋષી મંદિર ઉપરાંત હવે ટ્રસ્ટી મંડળે આખેઆખા સંકુલનો જળમૂળથી જ જીર્ણોદ્ધાર કરી સુવિધાજનક એક સંકુલ નિર્માણનું સપનું સેવ્યું છે. પબુરાઇ ફળિયાના ઉત્સાહી ધર્મપ્રેમી કાર્યકરોના આ મંદિર સંકુલ પ્રત્યેનાં સમર્પણની નોંધ પણ આ તકે લેવી પડે તેમ છે. આવનારા સમયમાં અતિથિગૃહ, સત્સંગહોલ, અન્નક્ષેત્ર સહિતની સેવાઓ શરૂ કરાશે. ભૂતનાથ મહાદેવ મંદિરે પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંગીતમય મહારુદ્રનું પણ આયોજન થયું છે. યજ્ઞ તથા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભાડિયાવાળા પૂ. કશ્યપભાઇ શાત્રી અને શ્યામભાઇ શાત્રી બંધુના આચાર્ય-ઉપાચાર્ય પદે તા. 7-12 મંગળવાર સવારથી શરૂ થશે. રાત્રે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે. આ સમસ્ત સંકુલને ચેતનવંતુ રાખવામાં ચાવીરૂપ સાધનાના સાધક ધનજી ભગત અને અન્ય સાધુ-સંતોના હસ્તે ચતુર્વેદ, શાંતિપાઠ, પ્રધાન સંકલ્પ સહિતના વેદ આધારિત શાત્રોકત પ્રસંગોનો પ્રારંભ થશે. બુધવાર તા. 8-12ના સ્થાપિત થનારા દેવોનું પૂજન, શોભાયાત્રા, નગરયાત્રા સવારે 8 વાગ્યે વિશ્વનાથ મહાદેવ મંદિર, શિવ આરાધના સોસાયટીથી નીકળશે. સાંજે 4 વાગ્યે પાંચ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ ભૂતનાથ સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ થશે અને મહોત્સવના ત્રણેય દિવસ ત્રણ હજાર વિવિધ વિષયક પુસ્તકોની પરબ પણ લાગશે. સાંજે 4-30 વાગ્યે પૂ. ધનજી ભગત અને દાતા પરિવાર અને સંતોના હસ્તે યોગિની આનંદલહેરીજી (માજીબા) ધ્યાનખંડનું લોકાર્પણ થશે. માજીબાની દિવ્ય સ્મૃતિમાં નિર્માણ પામેલા ધ્યાનખંડ માટે દાતા સ્વ. કંકુબેન ડાહ્યાભાઇ સોલંકી તથા સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમ સોલંકી પરિવાર માધાપરે રૂા. 11,11,111નું દાન આપ્યું છે. તો અન્ય પ્રકલ્પો માટે પણ મુખ્ય દાતા ઉપરાંત અનેક નામી-અનામી દાતાઓએ ખિસ્સા ખોલ્યા છે. મંદિર સ્થાપત્યનાં સ્થપતિ, ઇજનેર, કોન્ટ્રાકટર, વીજઉપકરણો સહિતની દિશામાં ટ્રસ્ટને મળેલા યોગદાનની નોંધ સ્થળ જોતાં જ લેવી પડે તેવી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer