જ્યાં અસ્તિત્વ ભૂંસાય ત્યાં રંગછાંટણાં...

જ્યાં અસ્તિત્વ ભૂંસાય ત્યાં રંગછાંટણાં...
ભુજ, તા. 6 : ખારીનદી ખાતે ભૂતનાથ મહાદેવ મંદિર શિવ પરિવાર પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોમાત્મક મહારુદ્ર યજ્ઞ અવસરે મુંબઈથી આવેલા બે કલાકાર દ્વારા તૈયાર કરાતી મહાદેવની પોટ્રેટ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બનશે. મૂળ કચ્છ અને હાલે મુંબઈ સ્થિત નવીનભાઈ ચૌહાણ અને નવીનભાઈ નાકર બે મહિના પહેલા ભૂતનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. મુંબઈમાં અમિતાભ બચ્ચન ફેન્સ કલબ-મુલુંડ નામે સંસ્થા ચલાવતા બન્ને કલાકાર અમિતાભના ચાહક છે અને અવાર-નવાર તેમના ઘરે અને ઓફિસે પણ પોટ્રેટ રંગોળી કરવા જતા હોય છે. માદરેવતનના પ્રેમને પગલે કચ્છમાં કોઈ કાર્યક્રમમાં કળા પ્રસ્તુત કરવાની ઈચ્છાને પગલે ભુજમાં ખારીનદી ખાતે નવનિર્મિત ભૂતનાથ મહાદેવ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ માટે આયોજકો દ્વારા આમંત્રણ અપાતાં ઉપરોકત ઈચ્છા પૂર્ણ થઈ હોવાનું બન્ને કલાકારોએ જણાવ્યું હતું. મહોત્સવ સ્થળે સ્વર દરબાર સ્ટેજ પર આ કલાકારોને જગ્યા ફાળવાઈ છે અને તેમના દ્વારા ખાસ કલરના સથવારે બેથી ત્રણ પોટ્રેટ તૈયાર કરાઈ રહ્યા છે. શરીરની રુંવાટી સહિત અલગ પાડતી આ કળા દ્વારા ત્રણ બાય ચારની એક પોટ્રેટ રંગોળી તૈયાર કરતા લગભગ દોઢથી પોણા બે દિવસ લાગતો હોવાનું 1પ-20 વર્ષથી આ કળાથી લોકોને આકર્ષતા નવીનભાઈ ચૌહાણે કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું. સંભવત: એકાદ-બે દિવસમાં જ પોટ્રેટ રંગોળી તૈયાર થઈ જશે અને લોકો તેને નિહાળી શકશે. ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને ભૂતનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા સભ્યોનો કલાકારોને સહયોગ સાંપડી રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer