લુપ્ત થતી હસ્તકળા નામદાને બચાવવા પ્રયાસો

લુપ્ત થતી હસ્તકળા નામદાને બચાવવા પ્રયાસો
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા મુંદરા, તા. 6 : કચ્છની લુપ્ત થતી હસ્તકલાઓમાં નામદા કલા આવે છે. ઘેટાંના ઊનને રંગીને અને ભીના ઊંટને બાજુબાજુમાં ગોઠવીને સોઇ કે ટાંકાની મદદ લીધા વિના આકારોની ગોઠવણી કરી બેસવાના આસનિયા, ચટાઇ, દીવાલોને સુશોભિત કરવાની રંગોળી, પર્સ, બગલ થેલા, થેલી વગેરે આ કલા તળે બનાવવામાં આવે છે. મૂળભૂત રીતે નામદા કલાનો ઘોડા ઉપરની પરછ બનાવવા માટે ઉપયોગ થતો હતો. રાજાશાહીના જમાનામાં ઘોડાના શોખીનો નામદા કલાના જાણકાર પાસે પરછ બનાવતા. ત્યારબાદ મશીનનો ઉપયોગ થતાં આ હસ્તકલાનો સૂર્ય આથમવા લાગ્યો હતો. માત્ર નામદા કલાના ભરોસે ઘર ચલાવવું કઠિન બન્યું અને નામદાના કારીગરો અન્ય કામ કરતા થયા. કોઇકે સુથારીકામની વાટ પકડી તો કોઇક ગાદલા, રજાઇ, તકિયા બનાવવાના કામમાં હાલે જોતરાઇ ગયા છે. કચ્છમાં નામદા કલાના માત્ર બે જ કારીગરો બચ્યા છે, જેમાં એક મુંદરાના મન્સુરી કરીમ ઉમર અને બીજા છે ગાગોદરના મન્સુરી લતીફ ઇસ્માઇલ. મુંદરાના કરીમ પાસે નામદા કલા શીખવા અનેક લોકો આવે છે, પણ બરાબર શીખે તે પહેલાં જ ધીરજ ખૂટતાં જતા રહે છે. નામદા કલાના કારીગરને ટકાવી રાખવા માટે અદાણી ફાઉન્ડેશને નોંધપાત્ર કામગીરી કરી છે. ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે કરીમને 2018માં 550 ઊંટ બનાવવાનો ઓર્ડર આપ્યો અને અત્યારે ચેરના જંગલો ઉપર આવતા પક્ષી ખાસ કરીને પેલિકનને નામદામાં બનાવી આપવાનો 150 નમૂનાઓનો ઓર્ડર આપ્યો છે, પણ 150ના ઓર્ડરને પૂરા કરવા માટે સમયમર્યાદા મોટો પ્રશ્ન બની ગઇ છે. શ્રી કરીમની આગેવાની હેઠળ તેમના પરિવારજનો અને ફાઉન્ડેશનના સભ્યો પણ ઘડિયાળ જોયા વગર કામમાં લાગી ગયા છે. તૈયાર થયેલા બગલા અને પેલિકનના નમૂનાને આકર્ષક ફ્રેમિંગ અને પેકિંગ કરવામાં આવ્યા છે જે અદાણી કંપની તરફથી અન્ય કંપનીઓને દીપાવલીની ભેટ આપવામાં આવશે. પંક્તિબેને જણાવ્યું કે, સ્થાનિક હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવું અને તેને પગભર કરવા ઉપરાંત નામદા જેવી કલા સમાજમાં સચવાઇ રહે તે માટે નવા કલાકારોને ઊભા કરવા અને કલાને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણીનું માર્ગદર્શન અને સહયોગ મળે છે તેવું તેમણે જણાવ્યું હતું. કારીગર કરીમનું કહેવું છે કે નામદા કલાને સરકાર તરફથી વધુ પ્રોત્સાહન મળે તે જરૂરી છે. દરરોજ કામ મળતું નથી એટલે ઘર ચલાવવા સુથારી કામ કરું છું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer