`નશો છોડો, ઘર પરિવારને જોડો'' વ્યસનમુક્તિ અર્થે ડાયરા

`નશો છોડો, ઘર પરિવારને જોડો'' વ્યસનમુક્તિ અર્થે ડાયરા
ભુજ, તા. 6 : કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સમાજમાં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ જ પ્રકારે ભુજના વિવિધ 12 જેટલા વંચિત વિસ્તારોમાં 'નશો છોડો, ઘર પરિવારને જોડો' શિર્ષક સાથે વ્યસનમુક્તિ અર્થે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ મહિલા વિકાસ સંગઠન છેલ્લા 32 વર્ષથી બહેનોના સશક્તિકરણ અને સલામતીના મુદ્દે અર્બન અને રૂરલ વિસ્તારમાં કાર્યરત છે. સંગઠનની કામગીરીમાં કાર્યકરોએ અનુભવ્યું કે ભાઈઓ અને બહેનોમાં દેખીતી રીતે વ્યસનનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે લોકો આર્થિક અને શારીરિક નુકસાની વેઠી રહ્યા છે. એટલું જ નાહિં લોકોમાં અનેક પ્રકારની બિમારીઓ પણ ઘર કરી રહી છે. લોકોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા કે.એમ.વી.એસ.ની ટીમ દ્વારા ભુજના 12 જેટલા વિસ્તારો આવરી લઇ જૂની રાવલવાડી, રામનગરી ભુજિયાની તળેટી, આશાપુરા નગર, માધવરાય નગર (શિવરા-મંડપ), ગણેશ નગર અને સંજોગ નગરમાં પાન, ગુટખા, બીડી,તમાકુ અને દારૂ વિરોધી ગીત, દુહા, છંદ અને અમુક સત્ય ઘટનાના પ્રસંગો ટાંકીને વ્યસન મુક્તિ લોક ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં કુલ્લ એક હજારથી પણ વધારે નાગરિકો જોડાયા હતા. વ્યસનમુક્તિના આ પ્રયાસના પરિણામ સ્વરૂપે વિવિધ વિસ્તારના યુવાનો તેમના વિસ્તારોમાં ભીંત સુત્રો લખીને વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાવા તૈયાર થયા તેમજ 28 જેટલાં ભાઇ બહેનોએ પોતાના વિસ્તારોમાં વ્યસન માટેની વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ આવે એ સંદર્ભે આગેવાની લેવા તૈયાર થયા હતા. કેટલાક લોકોએ પોતાના વ્યસનને કારણે થયેલાં નુકસાનોના સ્વાનુભવ રજૂ કર્યા હતા. આ ડાયરામાં સંસ્થાનો પરિચય શીલા ભાટીએ આપ્યો હતો તેમજ હેતુ જીનલ શાહે કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. માંડવી તાલુકાના મોટી ઉન્નોઠ ગામના ક્રિષ્નાબેન ગઢવી અને તેમની ટીમએ વ્યસન મુક્તિ અંગે લોકડાયરાના ગીત, છંદ અને દુહા રજૂ કર્યા હતા. સંસ્થાના સેક્રેટરી અરૂણાબેન ધોળકીયાએ વ્યસન માત્ર આરોગ્ય નાહિં પરંતુ સામાજિક, આર્થિક અને શારીરિક દરેક રીતે નુકસાનકારક હોવાનુ જણાવી લોકોને વ્યસનથી દૂર રહેવા હિમાયત કરી હતી. વ્યસનમુક્તિના આ પ્રયાસમાં વંચિત વિસ્તારના લોકોને જોડવા માટે સંસ્થાના લીનાબેન, મનીશાબેન, જીગ્નેશભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભાર વિધિ આમદ સમેજાએ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer