માંડવીમાં માર્ગ ઓળંગતા વૃદ્ધને કારે અડફેટે લેતાં મોત

ભુજ, તા. 6 : માંડવીમાં આજે સવારે માર્ગ ઓળંગતા વૃદ્ધને અજાણી કારે ટક્કર મારતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બીજીતરફ ગઇકાલે ડગાળામાં આધેડે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યુ થયું છે. માંડવીની ઘટના અંગે માંડવીના પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ આજે સવારે 10 વાગ્યા આસપાસ માંડવી-ભુજના ધોરીમાર્ગ પર સીતારામની મઢુલી પાસે 60થી 65 વર્ષના એક અજાણ્યા વૃદ્ધ માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે એક અજાણી કારે તેને અડફેટે લેતાં આ વૃદ્ધ ઘવાયા હતા અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતક તથા અજાણ્યા વાહન ચાલક અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમ્યાન, ગઇકાલે ભુજ તાલુકાના ડગાળા ગામે રહેતા 38 વર્ષીય જેરામભાઇ અરજણભાઇ ગરવાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer