બનાસકાંઠામાં અકસ્માત નોતરી કચ્છ આવતી કારનો ચાલક ઝડપાયો

ગાંધીધામ, તા. 6 : બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા નજીક અકસ્માત નોતરી એક યુવાનનું મોત નીપજાવી કચ્છ આવતા કારના ચાલકને આડેસર પોલીસે પકડી પાડયો હતો. કાંકરેજના તાલુકાના વડા ગામ નજીક ધોરીમાર્ગ ઉપર કાર નંબર જીજે-1ર-બીએસ-8772એ એક બાઈકને હડફેટમાં લેતાં એક યુવાનનું મોત થયું હતું. અકસ્માત નોતરી યુવાનનું મોત નીપજાવી આ કારચાલક કચ્છ આવી રહ્યો હતો. દરમ્યાન થરા પોલીસે આડેસર પોલીસને જાણ કરી હતી કે રોંગસાઈડમાં પૂરપાટ આવતી કારે બાઈકને ટક્કર મારી યુવાનનું મોત નીપજાવી તે કાર કચ્છ આવી રહી છે, જેના આધારે આડેસર પોલીસ ચેકપોસ્ટ ઉપર તૈનાત થઈ ગઈ હતી અને આ કાર આવતાં તેને રોકી દેવામાં આવી હતી અને કારના ચાલક અકસ્માત નોતરનારા ગાંધીધામના જગારામ દેવીરામ મીણાને પકડી પાડયો હતો. આ કારચાલક ગાંધીધામ એલ.આઈ.સી.ની કચેરીમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer