મોટી વિરાણીમાં મહિલાઓને પાંચ દિવસ તાલીમ અપાઇ

મોટી વિરાણીમાં મહિલાઓને  પાંચ દિવસ તાલીમ અપાઇ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 2 : અહીં ગુજરાત સરકારના હસ્તકલા યોજના તથા કુટિર ગ્રામોદ્યોગ અંતર્ગત બહેનો સ્વનિર્ભર રીતે આજીવિકા રળી શકે તેમજ રોજિંદી પ્રવૃત્તિમાં કૌશલ્યવાન બની શકે તે હેતુથી પાટીદાર સમાજવાડીમાં પાંચ દિવસીય તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. પાંચ દિવસીય મહિલા તાલીમ કેન્દ્રનો દીપ પ્રાગટયથી આરંભ કરાવતા તાલીમ કેન્દ્રના ટ્રેનર ભવ્યસિંહ જાડેજાએ કાર્યક્રમના હેતુ સાથે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ કાર્યક્રમ દરમ્યાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અ.ભા.ક. કડવા પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી, વિરાણી ગ્રા. વિ. મંડળના પ્રમુખ ભરતભાઇ સોમજિયાણીએ મહિલા વિકાસ અર્થેના આયોજિત મહિલા તાલીમ કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું. અગ્રણીઓએ સમાજ વિકાસ માટે મહિલાઓનો વિકાસ પ્રથમ પગથિયું છે તેવું જણાવી ભાગ લેનાર તાલીમાર્થી બહેનોને તાલીમ લઇ કાર્યક્રમને યથાર્થ કરવા જણાવ્યું હતું. અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આરંભમાં આયોજનના અગ્રણી રમીલાબેન બાથાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પાટીદાર યુવા મંડળના પ્રમુખ ઘનશ્યામ નાયાણી, નવચેતન સેવા ટ્રસ્ટના સંચાલક નયનાબેન પોકાર, મહિલા મંડળના પ્રમુખ રાધાબેન બાથાણી, વી.એમ.વી.એફ.ના કિશનભાઇ પટેલએ સહયોગ આપ્યો હતો. ભવ્યજિતસિંહ, દાનવીરભાઇ, રીટાબેન, ઉર્વીબેન સહિત તજજ્ઞોએ તાલીમ આપી હતી. મંડળના વિજયાબેન ગોરાણી, રમીલાબેન બાથાણી, ગીતાબેન અખિયાણી, કિશન પટેલએ વ્યવસ્થા સંભાળી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer