રાપર શહેરના પાંચ કરોડનાં વિકાસકામો મંજૂર

રાપર શહેરના પાંચ કરોડનાં વિકાસકામો મંજૂર
રાપર, તા. 6 : નગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં શહેરમાં માળખાકીય સુવિધાના વિવિધ રૂા. પ કરોડના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત લાયબ્રેરી અને ટાઉનહોલને આધુનિક બનાવવા પણ નિર્ણય લેવાયો હતો. સુધરાઈ પ્રમુખ અમરતબેન વાલજીભાઈ વાવિયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના સભાખંડમાં ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રસ્તા, પેવરબ્લોક, વીજળી સહિતના વિકાસકામો સહિત વિવિધ 46 જેટલા ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ વિકાસકામોમાં નગાસર તળાવ ફૂટપાથના સમારકામ અને સફાઈનું કામ, સેવાસાધના સંકુલ સુધી પીવાના પાણીની લાઈન, ટાઉનહોલ અને નગરપાલિકાની કચેરીમાં આધુનિક અગ્નિશમન સાધનો વસાવવા, એકતાનગરના પ્રવેશદ્વાર પાસે આર.સી.સી. નાળું બનાવવા, ખેતીવાડી બજાર સમિતિના રોડ ઉપર ખાડા પૂરવા, બજાર સમિતિ માટે પીવાના પાણીની લાઈન નાખવા, કોટવાલવાસમાં પેવરબ્લોક નાખવા સહિતના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રંબૌ ત્રણ રસ્તાથી ખેતીવાડી બજાર સુધીના બાયપાસ રસ્તાને આર.સી.સી. રોડ બનાવવા પણ નિર્ણય લેવાયો હતો. સુધરાઈ સભ્ય શૈલેશ વનેચંદ શાહે ખેતીવાડી બજાર સમિતિમાં છાપરાનો લેવાતો વેરો રદ કરવા અંગે રજૂઆત કરી હતી. આ વેરો રદ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે મુખ્ય અધિકારી મયૂર જોષીનો સંપર્ક સાધતાં તેમણે શરતોની જોગવાઈ મુજબ વેરો ભરવો જ પડશે તેવું જણાવ્યું હતું. સભામાં નગરપાલિકાના વેરાની આવક વધે તે માટે મિલ્કતોની આકારણીની કાર્યવાહી પણ કરવા નિર્ણય લેવાયો હતો. દરમ્યાન પ્રમુખ સ્થાનેથી યુ.ડી.પી. 88ની ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારમાં 2.50 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. દરમ્યાન રાપરના પ્રથમ સભાપતિ સ્વ. હરિસિંહ સોઢાના નામે ચાલતી અને હાલે બંધ લાયબ્રેરીનું પુન: આધુનિકરણ કરવા નિર્ણય લેવાયો હતો, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની તક મળે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય સ્વ. વાઘજીભાઈ પટેલના નામે નામકરણ કરાયેલા ટાઉનહોલનું નવીનીકરણ કરાયું નથી, તેથી આધુનિક લાઈટ સુવિધા અને અન્ય સુવિધાઓ સાથે ટાઉનહોલનું નવીનીકરણ કરવા નિર્ણય લેવાયો હતો. સભામાં ઉપપ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢા, કારોબારી ચેરમેન કાનીબેન વીરાણિયા, તેમજ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. વીજબીલ બચાવવા સુધરાઈ કચેરીમાં સોલાર સિસ્ટમ લગાડવા પણ નિર્ણય લેવાયો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer