અંજારમાં ચાલીસમો પાટોત્સવ ઊજવાયો

અંજારમાં ચાલીસમો પાટોત્સવ ઊજવાયો
અંજાર, તા. 6 : અહીં 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ઉજવવામાં આવ્યો હતો. પરિવારના સ્થાપક શ્રીરામ શર્મા આચાર્યજીના હસ્તે 1981ના ગાયત્રી શક્તિપીઠ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચાલીસ વર્ષ પહેલાં સ્થાપિત અંજાર ગાયત્રી શક્તિપીઠના 40મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યનું સંચાલન બહેનો હિનાબેન પંડયા, મંજરીબેન વૈશ્નવ તથા મિતાબેન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. મંગલજીભાઇ ખીમજીભાઇ માથકિયા પરિવાર દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાયત્રી શક્તિપીઠની 1981માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી ગાયત્રી શક્તિપીઠે 365 દિવસ દૈનિક યજ્ઞ ચાલુ છે. બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે શિયાળામાં ધાબળા વિતરણ, કૂતરાઓને બાજરીના રોટલા, શ્રાવણ મહિનામાં 300 દીકરીઓને ભોજન-ભેટ-દક્ષિણા, આસો નવરાત્રિમાં દીકરીઓને રાસ-ગરબા અને નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લે નોમના 400 દીકરીઓને ભોજન પ્રસાદ અને ભેટ દક્ષિણા આપવામાં આવે છે તેવું એક યાદીમાં જણાવાયું હતું. દશેરાના દાતાઓ દ્વારા 400 દીકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ટિફિન સેવા અથવા રાશન કિટ આપવાનું આયોજન છે. ગાયત્રી શક્તિપીઠ દ્વારા દર મહિનાની 15 તારીખે અંધજન મંડળ ભુજ (કે.સી.આર.સી.) દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ તથા ડો. જયસુખભાઇ મકવાણા રાજકોટ દ્વારા જાલંધર પદ્ધતિથી દંતયજ્ઞ યોજવામાં આવે છે. ઉપરાંત દર પુષ્ય નક્ષત્રમાં બાળકોને મફત સુવર્ણપ્રાશન જેવી અનેક લોક કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞની વ્યવસ્થા પૂજારી નટુભાઇ જોષીએ કરી હતી અને ગાયત્રી પરિવારના ભાઇ-બહેનો અને ગાયત્રી સોસાયટીના ભાઇ-બહેનો, ટ્રસ્ટી હસમુખભાઇ માથકિયા, વ્યવસ્થાપક આસુતોષ વૈશ્નવ, પૂજારી નટુભાઇ જોષી, વેલજીભાઇ વ્યાસ, વિનોદ પાટીદાર, ધીરુભાઇ વ્યાસ, નારણભાઇ સોની, અનિલભાઇ ટાંક, અંજાર નગરપાલિકાના વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ આહીર, બળદેવ મહારાજે સહયોગ આપ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer