ભુજના સ્થાપના દિને લારી-ગલ્લા સંગઠન દ્વારા બંધનું એલાન

ભુજ, તા. 6 : શહેર શેરી ફેરિયા સંગઠન ભુજ કચ્છ અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાત દ્વારા આગામી તા. 8-12 બુધવારે એક દિવસ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કારોબારી સમિતિની બેઠકમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે. ભુજ ખાતે જિલ્લા કક્ષાના આ આયોજન અંતર્ગત સવારે 9.30 વાગ્યે વી.ડી. હાઇસ્કૂલ પાસે એકત્ર થઇ રેલી સ્વરૂપે બસ સ્ટેશન સહિતના માર્ગે ફરી ટાઉનહોલમાં સભા યોજાશે. ત્યારબાદ કલેક્ટરને આવેદન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાના સંગઠન સાથે જોડાઇને આ પ્રકારનો કાર્યક્રમ સંભવત: કચ્છમાં પ્રથમ વખત યોજાવા જઇ રહ્યો છે. ભુજ શહેર શેરી-ફેરિયા સંગઠન અને નેશનલ હોકર ફેડરેશનની યાદીમાં જણાવાયા મુજબ એકબાજુ દેશના શેરી ફેરિયાઓ પોતાના ધંધા-રોજગાર પડી ભાંગવાને કારણે કફોડી હાલતમાં જીવી રહ્યા છે ત્યારે બીજીતરફ દેશમાં તેઓને નિયમિત અને સુરક્ષિત રીતે રોજગાર ને સલામતી પૂરી પાડતા શેરી ફેરિયા અધિનિયમ-2014ને રાષ્ટ્રીય કક્ષાએ નાબૂદ કરવાનું ષડયંત્ર કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. જેના વિરોધમાં 29 રાજ્યોમાં 1069 હોકર યુનિયનો દ્વારા દેશભરમાં ઉપરોક્ત તારીખે કાર્યક્રમ યોજાશે. સમગ્ર દેશની સાથે ભુજમાં પણ શેરી ફેરિયાઓના સંગઠનો દ્વારા બંધનું આહવાન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ કાર્યક્રમમાં અંદાજે 90 ટકા ધંધાર્થી જોડાય તેવી શક્યતા આયોજકો દ્વારા વ્યક્ત કરાઇ હતી. વિરોધમાં કચ્છ જિલ્લાના તમામ લારી ગલ્લાવાળાઓ જેમકે શાકભાજી, ખાણી-પીણી, ચા-નાસ્તો, ફળફળાદિ વિ. જેવા અનેક ફેરિયાઓને આ રેલી ધરણા પ્રદર્શનમાં જોડાવા માટે અને એક દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા માટે અપીલ કરાઇ છે. તાજેતરના દિવસોમાં દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનેલા ગાંદીધામ, અંજાર તથા કચ્છ જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં લારી-ગલ્લા પર ધંધા રોજગાર કરતા શેરી ફેરિયાઓને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા તેમજ વધુ માહિતી અને જાણકારી માટે રાજેશભાઇ દાવડા, મયૂરભાઇ ગોર અને મહમદ લાખાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

© 2022 Saurashtra Trust