સશત્ર સેના ધ્વજદિને ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ

ભુજ, તા. 6 : દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના વિકટ પરિસ્થિતિમાં ખમીર બતાવી પવિત્ર માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થયા. ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખતા વીર જવાનો તથા શહીદોના પરિવારો માટે 7મી ડિસેમ્બરે સશત્ર સેના ધ્વજદિને ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે. દેશની આંતરીક અવ્યવસ્થા અને કુદરતી પ્રકોપો સામે પણ નાગરીકોના રક્ષણ કાજે અડીખમ ઉભા રહી સેવા આપતા જવાનો તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા `સશત્ર સેના ધ્વજદિન' આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.07 ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજદિનમાં જનતા પુરેપુરો સહકાર આપે. તન,મન,ધનથી મદદ કરી ફાળો એકઠો કરતા સ્વયં સેવકો-સંસ્થાઓના પાત્રો છલકાવી દેવાની પવિત્ર ફરજ સમજે. આ રીતે એકઠો થયેલો ફાળો માજી સૈનિકો-સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકાર દ્વારા ઘડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે., આથી કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. તેમજ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ભરતસિંહ કે ચાવડા દ્વારા સર્વે જનતાને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ કરાઈ છે. આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક-ડિમાન્ડ ડ્રાફટથી “Collector &President Armed Forces Flag Day Fund Bhuj”ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, 114,બહુમાળી ભવન,જિલ્લા સેવા સદન-2, ભુજ(કચ્છ)માં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(મેઈન શાખા),ભુજ (0334) ના ખાતા નં. 32274658380માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીને કરી શકો છો. અત્રે આ બાબતે સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશસ્ત્રસેના ધ્વજદિન માટેનો ફાળો વર્ષ દરમ્યાન કોઇપણ દિવસે 31 માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer