શિણાય નજીક ટેમ્પો અને કાર ભટકાતાં ચાલક યુવાનનું મોત

ગાંધીધામ, તા. 6 : તાલુકાના શિણાય નજીક પૂર્વ કચ્છ પોલીસ હેડક્વાર્ટર પાસે વળાંક ઉપર ટેમ્પો અને કાર ભટકાતાં કારમાં સવાર ચિરંજિત દાસ નામના યુવાનનું મોત થયું હતું. બીજીબાજુ રાપરના બાદલપર (પીછાણા)ના અગાઉ?દાઝી જનાર રસ્મિતાબેન નવીન કોળી (ઉ.વ. 5) નામની બાળકીનું મોત થયું હતું. અહીંની રેડીસન હોટેલમાં કામ કરતા અને આ બનાવના ફરિયાદી ગૌતમસિંઘ બ્રિજબિહારીસિંઘ તથા ચિરંજિત દાસને ગત મોડીરાત્રે અકસ્માત નડયો હતો. આ બંને યુવાનો હોટેલના કામથી મુંદરા જવા રવાના થયા હતા. મોડીરાત્રે કાર નંબર જીજે-12-ડીએસ- 3072 લઇને શિણાય ગામને પાર કરીને જઇ રહ્યા હતા ત્યારે પોલીસ હેડક્વાર્ટર નજીક વળાંક ઉપર અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સામેથી ધસમસતા આવતા ટેમ્પો નંબર જીજે- 12-બીટી-3157એ આ કારને ટક્કર મારી હતી, જેમાં આ કાર બાવળની ઝાડીમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ચાલક ચિરંજિતને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું મોત થયું હતું જ્યારે ફરિયાદીને સારવાર અર્થે લઇ જવાયો હતો. અપમૃત્યુનો એક બનાવ બાદલપર પીછાણામાં બન્યો હતો. ગત તા. 28-11ના ગામની સીમમાં રહેતા નવીનભાઇ?કોળીની દીકરી રસ્મિતા છાપરા (ઘર)માં હતી ત્યારે શોર્ટસર્કિટના કારણે આ ઘરમાં આગ લાગી હતી અને બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી, તેને પ્રથમ રાપર, ભુજ અને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન આ બાળકીએ છેલ્લા શ્વાસ લીધા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer