ચકચારી નેર હુમલા પ્રકરણના છ આરોપીના જામીન નકારાયા

ગાંધીધામ-ભુજ, તા.6 : ભચાઉ તાલુકાના નેર ગામમાં મંદિરે દર્શન કરવા મુદે્ એક પરિવાર ઉપર જીવલેણ હુમલો કરાયાના ચકચારી પ્રકરણમાં પકડાયેલા 6 આરોપીઓના જામીન ભચાઉની કોર્ટે ફગાવી દીધા હતા. જયારે બીજી તરફ ભુજ તાલુકાના ડગાળાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના આરોપીના જામીન મંજૂર થયા છે. નેર ગામમાં નવા બનેલ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગામના અનુસુચિત જાતિના લોકોએ મંદિરમાં દર્શન કર્યા હતા જે અંગેનું મન દુ:ખ રાખી આ બનાવના ફરિયાદી જગાભાઈ અને તેમના પરિવારજનો ઉપર હિચકારો હુમલો કરાયો હતો. આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની અટક કરી હતી. તેમના રિમાન્ડ બાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દરમ્યાન હિતેશ રામજી બાલાસરા, કાનજી કોળી અને અન્ય ચાર આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા ભચાઉની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆતો, દલિલો સાંભળ્યા બાદ ન્યાયાધિશે આ આરોપીઓના જામીન નકારી દીધા હતા. ફરિયાદી પક્ષે ધારાશાત્રી અજમલ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. બીજી તરફ ડગાળાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા આરોપીના જામીન મંજૂર થયા છે. આ કેસની ટૂંક વિગત મુજબ ગત તા.20-10-21ના આરોપી મનસુખ સોનાજી ઠાકોર (ગાંધીનગર વાળા)એ ફરિયાદીની સગીર દીકરીનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની પધ્ધર પોલિસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પેલીસે આરોપીને પકડી પોકસો કોર્ટ સમક્ષ રજૂ કરતાં પાલારા ખાસ જેલ ખાતે મોકલી દેવાયા બાદ આરોપીએ નિયમિત જામીનની અરજી કરતા જામીન મંજુર થયા છે. આરોપી તરફે ધારાશાત્રી ગણેશદાન એન. ગઢવી, દેવરાજ કે. ગઢવી અને નરેશ ડી. ચૌધરી હાજર રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer