ગાંધીધામમાં નાના વેપારી બને છે નિશાન

ગાંધીધામ, તા. 6 : શહેરના રોટરી સર્કલથી એરપોર્ટ તરફ જતા રોડ ઉપર આજીવિકા રળતા લારી-ગલ્લાવાળાઓને દબાણના નામે કનડગત ન કરી રોજગારી મેળવવાના હકકો આપવા નાના વેપારીઓએ અનુરોધ કર્યો હતો. નાના વેપારીઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરતા કહયુ હતુ કે આ વિસ્તારમાં 100થી વધુ લારી ગલ્લાઓવાળા નાસ્તા, ચા પાણીનો વેપાર કરી રહયા છે. સાંજે પડે વેપારીઓ પોતાની રેકડી નિયત સ્થળેથી પરત લઈ જાય છે. આ રેકડીઓ ટ્રાફિકને અડચણરૂપ નથી. 100થી વધુ પરિવારો આ વેપાર સાથે સીધા સંકળાયેલા છે. રોજગારીના અભાવે પરિવારના ગુજરાનની સમસ્યા ઉભી થશે. કોરોના મહામારીમાં રોજગારી બંધ થતા અનેક વેપારીઓને બેંક લોન તથા વ્યાજ ઉપર નાણા લઈ પુન:વેપાર ઉભો કર્યો છે. લેણદારો અવારનવાર નાણા માટે ઘરમાં આવી ધમકીઓ આપે છે. પાલિકા નાના વેપારીઓને રોજગાર બંધ કરાવશે તો આ વર્ગ પાયમાલ થઈ જશે. ગાંધીધામમાં 40 ટકા જેટલુ દબાણ છે. મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીયવગ ધરાવતા લોકો મનફાવે તેવા દબાણો કરે છે. જો અતિક્રમણો દૂર કરવા હોય સમગ્ર શહેરમાં તમામ પ્રકારના દુર થવા જોઈએ. દબાણના નામે આ વેપારીઓને નિશાન બનાવમાં આવે છે. પોલીસ બળપ્રયોગ કરી લારીઓ હટાવવામાં આવશે તો પરિવાર સાથે પાલિકાની સામે અનશન ઉપર બેસવાની ચીમકી આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. વેપારીઓએ આજીવિકા માટે વૈકલ્પીક વ્યવસ્થાની માંગ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer