વિદેશી પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર

ભુજ, તા. 6 : હાલ વિશ્વ અને દેશમાં કોવિડ-19ના રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે તેમજ વિશ્વકક્ષાએ આ રોગમાં અલગ-અલગ પ્રકારનો સ્ટ્રેઇન જોવા મળ્યો છે. આ રોગને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ `ટેસ્ટ ટ્રેક ટ્રીટમેન્ટ'ના ત્રિસૂત્ર સિદ્ધાંતથી આ રોગના દર્દીઓને વહેલામાં વહેલા શોધી સારવાર પર મૂકવામાં આવે છે. આ બાબતે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી તથા કમિશનર, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણને સંશોધનની કચેરી દ્વારા ઇન્ટરનેશનલ અરાઇવલ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને ધ્યાને લઇ કચ્છ જિલ્લામાં 11 દેશો (1) યુનાઇટેડ કિંગડમ સહિતના યુરોપિયન દેશો (2) સાઉથ આફ્રિકા (3) બ્રાઝિલ (4) બોત્સવાના (5) ચાઇના (6) મોરેશિયસ (7) ન્યુઝિલેન્ડ (8) ઝિમ્બાબ્વે (9) સિંગાપોર (10) હોંગકોંગ (11) ઇઝરાયલથી આવતા પ્રવાસીઓ સંદર્ભે જાહેરનામું બહાર પડાયું છે. આ 11 દેશમાંથી આવતા તમામ નાગરિકોએ ભારત સરકારના વખતો વખતની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ ટેસ્ટ દરમ્યાન નેગેટિવ થયેલા વિદેશથી આવતા નાગરિકો કચ્છ જિલ્લામાં પ્રવેશ્યા બાદ ફરજિયાત સાત દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન થવાનું રહેશે અને ત્યારબાદ આઠમા દિવસે આર.ટી.પી.સી.આર.નો ટેસ્ટ કરાવવાનો રહેશે અને જો ટેસ્ટ નેગેટિવ હોય તો ત્યારબાદના સાત દિવસ સુધી સેલ્ફ મોનિટરીંગ કરવાનું રહેશે. ઉક્ત માર્ગદર્શિકા ઉપરાંત વખતો વખતના કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો તેમજ રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ એસઓપીનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ધી એપેડેમિક ડીસીસ એક્ટ-1897 અન્વયે ધી ગુજરાત એપેડેમિક ડિસીસીસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઇઓ, ઇન્ડિયન પીનલ કોડની કલમ-188 તથા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ માંડવા માટેના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના અધિકારીઓને રહેશે તેવો જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા હુકમ કરાયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer