અમાન્ય વિઝા મામલે અટવાયેલી નારાણપરની યુવતીને કચ્છના સાંસદે 24 કલાકમાં વિઝા અપાવ્યા

વસંત પટેલ દ્વારા કેરા, (તા. ભુજ), તા. 6 : ભારતીયોના આંતરરાષ્ટ્રીય અવાગમનની સમસ્યાઓમાં કોવિડ-19એ વધારો કર્યો છે. તાજેતરમાં કેન્યાથી આવી રહેલી 21 વર્ષીય ક્રિષ્ના રામજી હીરાણીને અમાન્ય વિઝા મામલે અમદાવાદ એરપોર્ટથી ડીપોર્ટ કરવા તજવીજ થઇ હતી પણ સાંસદની દરમ્યાનગીરીથી વિઝા ઇસ્યુ થયા હતા. આ ઘટના ભારતીય મૂળના ગૌરવ તરીકે ચર્ચાઇ રહી છે. વાત એમ હતી કે, 23 નવેમ્બરના માતા-પિતા સાથે એરઇન્ડિયાની `સ્વદેશી' ફ્લાઇટમાં નાઇરોબી કેન્યા એરપોર્ટથી અ'વાદ આવવા ઉડાન ભરનાર મૂળ નારાણપર (પસાયતી)ની યુવતી ક્રિષ્નાને અમદાવાદ એરપોર્ટે ભારતીય ઇમિગ્રેશને જણાવ્યું કે તેણીએ 2019માં લીધેલા પાંચ વર્ષના ઇ-વિઝા કોવિડ-19 ગાઇડ લાઇન મુજબ ફ્રિજ કરી દેવાયા છે જે નવા નિયમ મુજબ અમાન્ય છે અને તેણીએ તરત નાઇરોબી પરત ફરે, ક્રિષ્નાએ અને તેના માતા-પિતાએ રજૂઆત કરી કે જો અમારા વિઝા અમાન્ય હતા તો અમને નાઇરોબીમાં કેમ ન જણાવાયું ? અને એર ઇન્ડિયાએ શા માટે વિમાનમાં બેસવા દીધા? પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે ઉડયન કંપની લાજવાને બદલે ગાજી હોવાનો રોષ ઠાલવતાં ક્રિષ્નાએ કચ્છમિત્રને કહ્યું કે મારા માતા-પિતા ભારતમાંના સંબંધીઓને વિઝા મળે તે માટે વિનંતી કરતા હતા. સમય આપવાને બદલે એર ઇન્ડિયાએ અમને એક નાની ઓરડીમાં રખાવી કોઇ પ્રક્રિયા ન કરવા દબાણ કર્યું હતું. અને ધમકી પણ આપી હતી. જે યોગ્ય ન હોવાથી રોષ વ્યક્ત થયો હતો. મૂળ બિન નિવાસી યુવતી અ'વાદ એરપોર્ટ પર અટવાયાની જાણ થતાં મૂળ બળદિયાના નાઇરોબી વસતા કુરજી જેસાણીએ ગામાઇ હરીશ કેરાઇને મદદરૂપ થવા કહ્યું હતું. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ગૃહ-વિદેશ મંત્રાલયમાં પત્રો દૂરવાણીથી રજૂઆત કરી સંકલન કર્યું હતું અને મુશ્કેલ કહી શકાય તેવો નિર્ણય માત્ર 24 કલાકમાં લાવી બાન જેવી સ્થિતિમાં રખાયેલા પરિવારને મુક્ત કરાવ્યો હતો. કચ્છમિત્ર સાથે વાત કરતાં આ પરિવારે લાગણીભેર કહ્યું: અમને ભારતીય હોવાનું ગૌરવ છે જ પણ મોદીસાહેબ મૂળ ભારતીયો પ્રત્યે અને તેમાં પણ એક વ્યક્તિ માટે આદર રાખતી નીતિ બનાવી છે તે આભારના હક્કદાર છે. મદદરૂપ થનાર બળદિયાના હરીશભાઇ કેરાઇએ ઉમેર્યું કે મેં આ વાતે પ્રયાસ કરવા ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, રાજકીય અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, કચ્છી લેવા પટેલ સમાજ ભુજ મારફતે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા સહિતના અનેકનો સંપર્ક કર્યો હતો. દરેકે પ્રયત્નો કર્યા એ અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને રાહત થઇ હતી તેઓ હાલ પૈતૃક ગામ નારાણપરમાં છે અને કાર્ય પૂર્ણ થતાં પરત નાઇરોબી જવા તૈયારી કરી રહ્યાં છે. તેમણે તંત્ર જ્યારે સહયોગી બની રહ્યું હતું ત્યારે વિમાની કંપનીની બચાવ પ્રયુક્તિ પ્રત્યે નારાજી દર્શાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer