રાજ્યકક્ષાની કલાઉત્સવ સ્પર્ધામાં ભુજની માતૃછાયા કન્યાશાળા અવ્વલ

ભુજ, તા. 30 : વર્ષ 2020-21માં રાજ્યકક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે નામના મેળવેલ ભુજની શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. હાલમાં ગુજરાતના પાટનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં શાત્રીય કંઠય સંગીત વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.25 નવેમ્બરના રોજ બીઆરસી ભવન, કલા ઉત્સવ-2021માં શાળાની ધોરણ 12માં અભ્યાસ કરતી કુ. ઋતાંશી જયસુખભાઈ મહેતાએ શાત્રીય કંઠય સંગીત વિભાગમાં સમગ્ર રાજ્યમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લા અને ઝોન કક્ષાએ વિજેતા થયા બાદ કુ. ઋતાંશીએ સમગ્ર રાજ્યના 28 જિલ્લાઓમાંથી આવેલા સ્પર્ધકોમાં મોખરે રહી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. કું. ઋતાંશીની આ સિદ્ધિ તેની મહેનતની સાથે તેના ગુરુજનોની પણ અથાગ મહેનતનું પરિણામ છે.શાળાના સંગીત શિક્ષકો હર્ષિદાબહેન જોશી અને જિગરભાઈ માંકડના માર્ગદર્શન હેઠળ કુ. ઋતાંશીએ સંગીતમાં વિશેષ નિપુણતા પ્રાપ્ત કરી છે. અહીં?ઉલ્લેખનીય છે કે, ભુજની માતૃછાયા માત્ર અભ્યાસ જ નહીં પણ દીકરીઓના સર્વાંગી વિકાસમાં રસ લઈને અન્ય ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ ટોચનું સ્થાન પ્રાપ્ત કરતી રહે છે.કુ. ઋતાંશી હવે રાષ્ટ્રકક્ષાએ સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જશે જે માતૃછાયા શાળાની સાથે સમગ્ર કચ્છ જિલ્લા માટે ગૌરવની વાત છે. શાળાના આચાર્યા સુહાસબેન તન્ના ગોસ્વામી તથા ટ્રસ્ટી મધુભાઈ સંઘવી અને નલિનીબહેન શાહે આ સિદ્ધિને હોંશભેર બિરદાવી હતી તથા રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ રજૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.