કારાઘોઘાની સીમમાં `રેતાળ દશરથિયાં''નો મુકામ

કારાઘોઘાની સીમમાં `રેતાળ દશરથિયાં''નો મુકામ
ભુજ, તા. 30 : મુંદરા તાલુકાના કારાઘોઘાની સીમમાં સાત જેટલા જંતુભક્ષી છાપા એટલે કે `રેતાળ દશરથિયાં' પ્રકૃતિપ્રેમીઓની નજરે ચડયા છે. નિશાચર પક્ષીઓની દુનિયામાં ડરામણા લાગતા ઘુવડ (ભૈરવ) અને છાપા પોતાનું જીવન રાત્રે ઊડતી ઝીણી જીવાતોને ખોરાક બનાવીને ગુજરાન કરતા હોવાથી દિવસે ભાગ્યે જ નજરે ચઢે છે. ફક્ત વહેલી સવાર અને મોડી સાંજના અંધારાનું સામ્રાજ્ય પ્રસરવા માંડે ત્યારે જ સક્રિય બનતા હોય છે. ઘુવડ અને છાપાના રંગ પણ માટી કે જમીન સાથે ભળી જાય તેવા હોય છે. પહેળી મોંફાળ દ્વારા ઊડતા જીવડાને ઊડતાં ઊડતાં જ શિકાર કરી પેટ ભરે છે. કચ્છમાં ચાર જાતના છાપા (ગઈંઋઇંઝઉંઅછ) જોવા મળે છે. છાપા તેના રંગ-રૂપને બદલે અવાજ ઉપરથી ઓળખાય છે. ચાર જાતમાં એક જાત યુરોપથી આફ્રિકાના પોતાના પ્રવાસ દરમ્યાન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કચ્છ પ્રવાસી પક્ષી તરીકે દેખાય છે. રેતાળ છાપાના નામે ઓળખાતું છાપું (દશરથિયું) ડો. સલીમ અલીના કચ્છના પક્ષીઓના પુસ્તકમાં સમાવેશ નથી કારણ કે તેમણે રેતાળ દશરથિયું કચ્છની મુલાકાત દરમ્યાન જોયું નહોતું. રેતાળ દશરથિયું પાકિસ્તાનમાં ઇંડા મૂકી બચ્ચાં ઉછેરે છે. કચ્છમાં પણ બચ્ચાં કરવાની શક્યતા દર્શાવાયેલી જ છે. આવું અલભ્ય દશરથિયું પથરાળ અને ઘાસિયા ભૂમિમાં ઊડતી જીવાતને ખોરાક બનાવતું હોવાથી કારાઘોઘાની સીમમાં લગભગ સાત જેટલા દશરથિયાં પ્રકૃતિ ભ્રમણના પ્રેમી શ્યામ ગઢવી અને લક્ષ્મણ ગઢવીએ પક્ષીવિદ્ નવીન બાપટને બતાવ્યા હતા. કચ્છમાં જવલ્લે જ દેખાતું રેતાળ દશરથિયું જમીન સાથે આબાદ ભળી રંગના કારણે ભાગ્યે જ દેખાય છે, પણ કચ્છમાં તેની હાજરી છે જરૂર. 

© 2022 Saurashtra Trust