આત્મવિશ્વાસથી કરેલી તૈયારી ચોક્કસથી સફળતા અપાવે છે
રાયધણપર, તા. ભુજ, તા. 26 : આત્મવિશ્વાસ અને પૂર્ણ તૈયારી સાથે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્સાહથી ઝંપલાવવાની અપીલ પોલીસ ભરતી અંગેના માર્ગદર્શન સેમીનારમાં કરવામાં આવી હતી.આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત પોલીસ આઈ. બી. વિભાગના ડી. વાય એસ. પી. શ્રી વારોતરિયાએ ઈચ્છૂક ઉમેદવારોને શારીરિક અને લેખિત પરીક્ષાના મહત્ત્વના મુદાઓ ઉપર માર્ગદર્શન આપી માનસિક રીતે સ્વસ્થતા સાથે આત્મવિશ્વાસ પૂર્ણ પરીક્ષા આપવા પર ભાર મુકયો હતો. વિવિધ સરકારી વિભાગમાં ફરજ બજાવતા કો. અશોકભાઈ જાટિયા, રમેશ ગાગલ, ભાવનાબેન બરાડિયા, કાનાભાઈ વગેરેએ વકતવ્ય સાથે માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ આહીર મંડળના ઉપપ્રમુખ બાબુભાઈ ધમાભાઈ ડાંગરે પણ પ્રોત્સાહન પુરુ પાડયું હતું. આયોજક ગ્રુપના એન. ટી. આહીરે સંચાલન સંભાળ્યું હતું. હરિભાઈ ગાગલે શબ્દોથી સ્વાગત કરી સેમિનારનો હેતુ સમજાવ્યો હતો. માધાપર સ્થિત આહીર બોર્ડિંગમાં આયોજિત આ સેમીનારમાં સમાજના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.