શિયાળે ગરમી સર્જતું અભૂતપૂર્વ ધુમ્મસ

શિયાળે ગરમી સર્જતું અભૂતપૂર્વ ધુમ્મસ
ભુજ, તા. 25 : કચ્છમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીએ ગરમ વત્રો શોધતા કરી દીધા ત્યાં તાજેતરમાં માવઠું સર્જાયું અને હવે ઝાકળથી દિવસે તો ખરું, રાત્રે પણ પંખા ચાલુ કરવા પડે છે.કચ્છના માકપટ તરીકે જાણીતા નખત્રાણા તાલુકાના વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ અભૂતપૂર્વ હોવાનું જાણકારો જણાવે છે. ડુંગરો પર હિલ સ્ટેશનો જેવો માહોલ સર્જાયો છે. દૂરથી ડુંગર ઉપર વાદળા ઉતર્યા હોય તેવું ભાસી રહ્યું છે. સવારે તો વાહનથી પસાર થવા દરમ્યાન લાઇટ ચાલુ કરવી પડે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માકનો માહોલ જામે છે. ધુમ્મસભર્યા વાતાવરણમાં મોર્નિંગ વોકર્સને ઠંડીથી તો રાહત મળે છે પણ સામે દેખાતું કાંઇ નથી. નખત્રાણાથી પ્રતિનિધિના હેવાલ મુજબ પશ્ચિમ કચ્છ સહિત નખત્રાણા પંથકમાં ગુરુવારે વહેલી સવારે અભૂતપૂર્વ ઝાકળવર્ષા થતાં સમગ્ર વિસ્તાર ભીનો ભીનો બન્યો હતો. સૂર્યનારાયણે પણ દસેક વાગ્યે દર્શન આપ્યા હતા. માકનું પ્રમાણ એટલું જોરદાર હતું કે થોડે દૂર પણ કાંઇ દેખાતું ન હતું. વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ સવારે ચાલુ રાખવાની ફરજ પડી હતી. દીપોત્સવી તહેવારો બાદ થોડીક ઠંડીની શરૂઆત થઇ હતી તેમજ અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણના કારણે ધાબડિયા માહોલ બાદ સિઝનની પ્રથમ ઝાકળવર્ષા થતાં વાતાવરણ આહ્લાદક બન્યું હતું. તો ધીણોધર ડુંગર તથા સાંયરા-યક્ષ પાસેના લાખાડી ડુંગર પર હિલ સ્ટેશન જેવા દૃશ્યો સર્જાયા હતા. બે-ત્રણ દિવસથી પડતી ઝાકળના કારણે વરસાદી માહોલનો અનુભવ થાય છે. મકાનો-છત પરના છાપરાઓમાંથી રીતસર નેવા વહ્યા હતા. શિયાળુ પાક ઘઉં, શાકભાજીના વાવેતરને ખૂબ ફાયદો થશે તેવું ખેડૂતોએ કહ્યું હતું. તો આગામી ચોમાસાના પણ સારા શુકન છે. ઝાકળના કારણે વાતાવરણ વિષમ બને છે. સવાર-સાંજ ઠંડીના અહેસાસ સાથે બપોરે ભારે ગરમીનો અહેસાસ થાય છે. મોટી વિરાણીથી પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે માકપટમાં ગત મોડી રાત્રિથી આજે સવારે મોડે સુધી અવિરત ઝાકળવર્ષાના કારણે પતરાના છાપરા, વાહનો, વૃક્ષો અને ખરીફ પાકોના છોડ ઉપર નિતરતા ઝાકળના બિંદુથી ચોમાસાની જેમ જમીન પલળી હતી. માકવર્ષા એરંડા, ઘઉં, રાઇ, રાયડો, ઇસબગુલ સહિતના ખરીફ પાકો તથા રિંગણા, મરચા, ગાજર,મૂળા જેવા શાકભાજી પેદાશને ફાયદાકારક ગણવામાં આવી છે. ધુમ્મસભર્યા અંધારિયા હવામાનના કારણે ગાયોના ધણ મોડેથી સીમમાં ચરવા ગયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer