લખપત પાસેના સીમાવર્તી વિસ્તારમાં બાંગલાદેશી તરુણને ઝડપી પડાયો

લખપત પાસેના સીમાવર્તી વિસ્તારમાં બાંગલાદેશી તરુણને ઝડપી પડાયો
ભુજ, તા. 25 : દેશના પશ્ચિમ છેવાડે લખપત નજીક સીમા સુરક્ષા દળના બીબીકા ઢુંઆ નજીકથી 17 વર્ષની વયનો બાંગ્લાદેશી તરૂણ પકડાતા સુરક્ષાને સંલગ્ન વિવિધ એજન્સીઓ અને તંત્રો તેની તપાસમાં પ્રવૃત બન્યા છે. અલબત પ્રાથમિક તબકકે હજુ કાંઇ વાંધાજનક પરિબળો સામે આવ્યા નથી. મુળ બાંગ્લાદેશનો વતની એવો જીન્સ અને ટિશર્ટમાં સજજ મોહમદ ઝકરીયા ખુરશીદ આાલમ નામનો આ 17 વર્ષીય કિશોર ગતરાત્રે અગિયારેક વાગ્યાના સુમારે લખપત પાસેના બીબીકા ઢુંઆ ખાતેના સીમાદળના કેમ્પ નજીકના પ્રતિબંધિત વિસ્તારમાં ઘુમી રહયો હતો ત્યારે દળના જવાનોએ તેને ઝડપી પાડયો હતો. આ કિશોર પાસેથી રૂા. 1830 રોકડા અને બે વિઝિટીંગ કાર્ડ મળ્યા હતા. સતાવાર સાધનો પાસેથી મળેલી વિગતો અનુસાર બી.એસ.એફ. દ્વારા મોહમદ ઝકરીયાની પ્રાથમિક પૂછતાછ કરાયા બાદ તેને દયાપર પોલીસ મથકના હવાલે કરાયો હતો. આ પછી તેને ભુજ ખાતે જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ખસેડાયો છે. પકડાયેલો મોહમદ માત્ર બાંગ્લાદેશી ભાષા જ જાણતો હોવાનું પ્રાથમિક તબકકે બહાર આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી સુરક્ષા તંત્રો અને એજન્સીઓની કવાયત યોજાયા બાદ બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાતા પોલીસ સહિતના વિવિધ તંત્રો અને સુરક્ષાને સંલગ્ન એજન્સીઓ હરકતમાં આવી છાનબીનમાં પરોવાઇ છે. પોલીસે પણ ગંભીરતા સાથે આ કિશોર કેવી રીતે આવ્યો તેના સહિતની કડિઓ મેળવવા માટે વ્યાયામ અવિરત રાખ્યો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer