કચ્છ એ હિન્દુ-મુસ્લિમોની એકતાનું કેન્દ્રબિંદુ છે

કચ્છ એ હિન્દુ-મુસ્લિમોની એકતાનું કેન્દ્રબિંદુ છે
મોથાળા (તા. અબડાસા), તા. 25 : અબડાસાના નરેડી ગામે નરેડી સુન્ની મુસ્લિમ જમાત દ્વારા રૂા. 15 લાખના ખર્ચે નિર્માણ પામેલી મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે કોમી એકતાનો સંદેશ આપતાં સલીમછા બાવાએ જણાવ્યું હતું કે, કચ્છ એ હિન્દુ-મુસ્લિમોની એકતાનું કેન્દ્રબિંદુ છે. જમાત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઊમટેલા હિન્દુ-મુસ્લિમ ભાઇઓને સંબોધતાં સલીમછાએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના પુસ્તકોના દાખલા આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કચ્છનો ભાઇચારો એ વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. તેમણે દરેક વ્યક્તિને સૌથી પહેલાં ઇન્સાનિયતને પ્રાથમિકતા આપવા અને સત્યના માર્ગે ચાલવા હાકલ કરી હતી. બુઝુર્ગ સૈયદ હાજી ઇસ્માઇલછા બાવાએ પણ કચ્છનો ભાઇચારો કાયમ રાખવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત ગૌભક્ત મનજીભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, મસ્જિદનો કાર્યક્રમ હોય ને મુસ્લિમ જમાત નરેડીના તમામ ધર્મસ્થાનોને રોશની કરે, નાળિયેર ચડાવે આવો દાખલો કચ્છ સિવાય ક્યાંય નહીં જોવા મળે. જમાત દ્વારા આ નિમિત્તે આખા ગામનું એકસાથે ભોજન એટલે કે ગામ ધૂવાબંધ કરાયું હતું. ગાયોને ચારો, કૂતરાને બિસ્કિટ, પક્ષીઓને ચણ નાખવામાં આવ્યા હોવાનું મુતવલી મુસાભાઇ ખલીફાએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંત વિવેકગિરિજી, જૈન સમાજના નાનજી દાદા, રાજેશ જોષી, ઇકબાલ મંધરા, સરપંચ ચંદ્રસિંહ જાડેજા, નવીન ભાનુશાલી, અબ્દુલ પઢિયાર અને ગામના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આદમ રાયમા, રફીક ખલીફા વગેરે જમાતના કાર્યકરો સહયોગી રહ્યા હતા. યુસુફછા સૈયદે સંચાલન કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer