એન્ટિબાયોટિકનો બિનજરૂરી ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી

ભુજ, તા. 25 : ઋતુમાં આવતા બદલાવ સાથે ખાંસી, ફ્લૂ, શરદી જેવી સંક્રામક બીમારી જાળ ફેલાવવાનું શરૂ કરે છે. આવી બીમારીઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે ઠીક પણ થઇ જતી હોય છે. આવા રોગથી સંક્રમિત વ્યક્તિ એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરી દે છે, પણ આ દવાનો ઉપયોગ તબીબની સલાહ સાથે અત્યંત સાવધાનીપૂર્વક કરવો જોઇએ, એમ અદાણી મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગના તબીબોએ વિશ્વમાં નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં  ઊજવાતા વિશ્વ એન્ટિબાયોટિક્સ જાગૃતિ સપ્તાહના સમાપન દિવસે જણાવ્યું હતું.ફાર્મોકોલોજી વિભાગના હેડ અને પ્રો. ડો. તેજસ ખખર અને આસિ. પ્રો. નીલેશ ખુટેટાએ જણાવ્યું કે, સંક્રમણના બચાવમાં એન્ટિબાયોટિક્સ દવાઓ અક્સીર હોય છે, પરંતુ તેનો બિનજરૂરી, અધકચરો અને સમજ્યા વિનાનો ઉપયોગ શારીરિક સમસ્યામાં વધારો કરી શકે છે. બંને પ્રોફેસરોએ આ દવાના ઉપયોગ સામે સાવચેતીનો સૂર વ્યકત કરતાં કહ્યું કે, એન્ટિબાયોટિકનો ઉપયોગ ત્યારે જ કરાય જ્યારે એન્ટિબાયોટિક વિના ઇલાજ શક્ય ન હોય. ઉપરાંત ડોક્ટર દ્વારા લખેલી આવી દવાનો જરૂરી ડોઝ અવશ્ય પૂરો કરવો જ જોઇએ. ક્યારેક એક વખત દવાનો ડોઝ લેવાનું ભુલાઇ જાય અને જ્યારે યાદ આવે ત્યારે લેવાય ત્યારે આવી અનિયમિતતાને કારણે ભૂલેચૂકે વધુ ડોઝ લેવાય તો શરીરને નુકસાન થઇ શકે છે. તાવમાં વપરાતી એન્ટિબાયોટિક દવા ક્યારેય જાતે ન લેવી તેવી સલાહ પણ અપાઇ હતી.અધિકાંશ એન્ટિબાયોટિક દવાની ખાસિયત છે કે, જો તેનો  ઉપયોગ વ્યવસ્થિત થાય તો  કોઇ મોટી સમસ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરેલા સર્વેક્ષણ?મુજબ ભારતમાં 50 ટકા આસપાસના લોકો તબીબની સલાહ લીધા વિના જ એન્ટિબાયોટિકનો ઉપયોગ કરે છે. આમ, સેલ્ફ મેડિકેશનની ટેવથી અપ્રમાણસર માત્રામાં દવાનું સેવન થઇ જતું હોવાથી જીવાણું સામે લડવાની શરીરની શક્તિ નબળી પડી જતી હોય છે. વ્યક્તિ જાતે જ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી કરે છે, જેને મેડિકલ ભાષામાં એન્ટિ માઇક્રોબિયલ રેજિસ્ટેન્સ કહે છે.આજે વર્તમાન સંજોગોમાંએક અને મિશ્ર સંયોજનવાળીઅનેક એન્ટિબાયોટિક્સ દવાઓ વેચાય છે.1928માં સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકે એલેકઝાન્ડર ફ્લેમિંગે સૌપ્રથમ એન્ટિબાયોટિક પેલીસિલીનની શોધ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer