ભારતીય મૂળના રચીન રવીન્દ્રનું કિવિઝ તરફથી ટેસ્ટ ડેબ્યૂ

કાનપુર, તા.25: ભારતીય મૂળના ખેલાડીઓનું ન્યુઝીલેન્ડની ટીમમાં રમવું કોઇ નવી વાત નથી. દીપક પટેલ, ઇશ સોઢી, જીતન પટેલ, જીત રાવલ, એઝાજ પટેલ સહિતના બીજા કેટલાક ભારતીય મૂળના ક્રિકેટરો ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા છે. હવે આ સૂચિમાં એક નવું નામ રચિન રવીન્દ્રનું ઉમેરાયું છે. તેને જયપુરમાં ન્યુઝીલેન્ડની ટી-20 ટીમમાં સામેલ કરાયો છે. જયારે આજે તેને ટેસ્ટ ડેબ્યૂની કિવિઝ ટીમમાં તક મળી છે. રોચક વાત એ છે કે આ કિવિઝ ખેલાડીનું નામ બે મહાન ભારતીય ખેલાડી રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરનું નામ મિકસ કરીને રાખવામાં આવ્યું છે. રાહુલના નામનો આરએ અને સચિનના નામમાંથી સીએચસીએન અંગ્રેજી અક્ષર લેવામાં આવ્યા છે. જે મળીને રચિન થાય છે. રચિનનો જન્મ વેલિંગ્ટનમાં થયો છે. તેના માતા-પિતા રવિ અને દીપા કૃષ્ણમૂર્તિ છે. તેનો પરિવાર 1990માં બેંગ્લોરથી ન્યુઝીલેન્ડ સ્થાયી થયો છે. રચિન ન્યુઝીલેન્ડ તરફથી અન્ડર-19 વર્લ્ડ કપ પણ રમી ચૂકયો છે. તેના પિતા ક્રિકેટના શોખીન છે અને રાહુલ-સચિનના મોટા ચાહક છે. આથી તેમણે તેમના પુત્રનું નામ બન્ને મહાન ભારતીય ક્રિકેટરને જોડીને રાખ્યું છે. રચિન કહે છે કે મારા આદર્શ સચિન તેંડુલકર છે. જયારે હાલની ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને તે પ્રેરણામૂર્તિ માને છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer