શ્રીલંકા 1-0થી આગળ: પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ સામે 187 રને જીત

ગોલ (શ્રીલંકા), તા.25: પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ગૃહ ટીમ શ્રીલંકાનો 187 રને શાનદાર વિજય થયો છે. આથી શ્રીલંકાની ટીમ બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ છે અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઇન્ટના હિસાબે ભારતથી આગળ નીકળીને ટોચ પર આવી ગઈ છે. આજે મેચના આખરી દિવસે 348 રનના વિજય લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝે તેનો બીજો દાવ 6 વિકેટે બાવન રનથી આગળ વધાર્યો હતો. પૂંછડિયાના સંઘર્ષ બાદ વિન્ડિઝ ટીમ 160 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં વનડાઉન નવોદિત બેટર એ. વોનરના 68 અને પૂંછડિયા જોશુઆ ડિસિલ્વાના પ8 રન મુખ્ય હતા. શ્રીલંકા તરફથી સ્પિનર લસિથ એબ્લદુનિયાએ પ અને રમેશ મેન્ડિસે 4 વિકેટ લીધી હતી. શ્રીલંકાનો સુકાની દિમૂથ કરુણારત્ને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે પહેલી ઇનિંગમાં 147 અને બીજી ઇનિંગમાં 83 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકાએ પહેલા દાવમાં 386 રન કર્યા હતા. જવાબમાં વિન્ડિઝના 230 રન થયા હતા. શ્રીલંકાએ બીજો દાવ 4 વિકેટે 191 રને ડિક્લેર કર્યો હતો. આથી વિન્ડિઝને જીત માટે 348 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જે સામે આજે તે 160 રનમાં ઓલઆઉટ થઈ હતી. આથી શ્રીલંકાનો 187 રને વિજય નોંધાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer