કચ્છના નાના ખાણધારકોને સતાવે છે અનેક પ્રશ્નો

ભુજ, તા. 25 : ગુજરાતમાં મળી આવતા વિવિધ પ્રકારના ખનિજ પૈકી કચ્છનો ફાળો મોટો છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ખનિજ ક્ષેત્રે આપવામાં આવતી લીઝની નીતિમાં કરવામાં આવેલા ફેરફારથી સ્થાનિક માઇનીંગ ધારકોને મોટો ફટકો પડયો છે અને ખાણ ખનિજ વિભાગને લગતા પ્રશ્નો ઊભા થતા હોવાથી કચ્છ બેન્ટોનાઇટ વેલ્ફેર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એસો.ના પ્રમુખે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઇપણ માઇનીંગ લીઝ ઓકશન પદ્ધતિ લીઝ ફાળવામાં આવશે તે નિર્ણયને  પડકારવો દેશના નાના લીઝધારકો માટે અશક્ય છે. જેનો ફાયદો મહાકાય ઉદ્યોગ ધરાવતા ઉદ્યોગપતિઓ તેમજ ખાણ માફિયાઓને થઇ રહ્યો છે. આ વિષયે નાના લીઝધારકો વતી  સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખવા અસંગઠિત તેમજ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે નાના લીઝધારકો વતી ગુજરાત સરકાર 10 હેક્ટરથી નાના વિસ્તાર માટે અલગ નિયમ પોલિસી બનાવવા ભારત સરકાર તેમજ સુપ્રીમ કોર્ટમાં અમો સૌ નાના નાના લીઝધારકો વતી પક્ષ રાખવા અનુરોધ કરી રહ્યા છે.ખાનગી તેમજ માલિકીની જમીનમાં માલિકની સહમતી વગર લીઝ થવી અશક્ય છે. તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ખાનગી જમીન માટે સરળ તેમજ ઝડપી લીઝ મંજૂરી મળી જતી હોય છે. પરંતુ ગુજરાતમાં  આ વિષયે બહુ જ સમય લાગી જાય છે, જેથી આ વિશે સરકારની નીતિમાં દખલ જરૂરી હોય એવું લાગી રહ્યું છે. સૌ લીઝધારકો તેમજ માઇનીંગ વ્યવસાય સાથે જોડાયેલા ઉદ્યોગકારો સરકારની દરેક પોલિસીઓ તેમજ કાર્યો માટે સંતુષ્ટ છીએ, પરંતુ નાના નાના લીઝધારકો કે નાના ઉદ્યોગો વધુ પડતા સ્થાનિક લોકો જ હોય છે, જેથી  સ્થાનિક પ્રશ્નો અંગે પણ ધ્યાન દોરવા માંગીએ છીએ કે, છેલ્લા ત્રણ વર્ષથી ડીએમએફરૂપી જે વેરો રોયલ્ટીની રકમ ઉપર 10 ટકા ઉઘરાવવામાં આવે છે જે માટે એક ફાઉન્ડેશન પણ ઊભું કરવામાં આવ્યું છે જે આ ફંડ વાપરવાનું આયોજન લોકહિતના કામમાં કરી રહ્યા છે તે સારી બાબત છે. પરંતુ તે ફંડ જે ગામમાંથી ખનિજ નીકળે છે અને તે ગામને તેના લીધે થતું નુકસાન પણ સ્વાભાવિક છે. પરંતુ આ ફંડ જિલ્લાના કોઇપણ જગ્યાએ  વાપરી શકાય તે નિર્ણય સાથે વિરોધ છે. જેથી જે ગામમાંથી ખનિજ ઉત્ખનન થયું છે અને તેની રોયલ્ટી સરકારને મળી છે તે બરાબર છે પરંતુ ડીએમએફની રકમ ફક્ત અને ફક્ત જે તે ગામના વિકાસ કાર્યોમાં જ વપરાય એવી માગણી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વિચારો મુજબ કોઇપણ વસ્તુ નકામી હોતી નથી, જેથી વેસ્ટમાંથી બેસ્ટ શું કરી શકાય એવો એક વિચાર આપ સમક્ષ રજૂ કરીએ છીએ. માઇનીંગ લીઝ વધુ પડતી સપાટી કે પથરાળ જમીન ઉપર ઓવર બર્ડન કાઢ્યા બાદ મળી આવતું ખનિજ કાઢવામાં આવે છે, તે માટે બહુ મોટા ખાડાઓ કરવામાં આવે છે. માઇનીંગ પોલિસી મુજબ તે ખાડાઓનું રિફીલીંગ કરવાનું હોય છે. જે સંદર્ભે અમારું સૂચન છે કે, પોલિસીમાં સુધાર કરવાની ખાસ જરૂરત દેખાઇ?રહી છે. કારણ કે માઇનીંગ કર્યા બાદ છતાં ખાડાઓને  તળાવમાં રૂપાંતર કરવામાં  આવે તો અબજો લિટર પાણીનો સંગહ કરી શકાય છે જે પાણી ખેતી કે અન્ય ઉપયોગમાં લઇ તેમાંથી પણ રોજગારી ઉભી કરી શકાય છે તેમજ માઇનીંગ માટે નીકળતો વેસ્ટ મલબો એટલે કે, ઓરબર્ડનનો ઉપયોગ આજુબાજુમાં નવા બનતા તળાવોની પાળ બનાવવા અથવા રોડ રસ્તાઓ કે અન્ય કામોમાં લેન્ડ ફીલીંગમાં વાપરવામાં આવે તો તે વસ્તુનો પણ ઉપયોગ થવાથી લીઝધારકને તેમાંથી પણ આવક ઊભી થઇ શકે તેમ છે અને સરકારને તેની રોયલ્ટી રૂપી પણ આવક થાય તેમ છે. જેથી અબજો રૂપિયાના ખર્ચે સરકાર તળાવો બનાવી રહી છે, જે ખર્ચને  બદલે મફતમાં આવા તળાવો ઊભા કરી શકાય. હાલમાં બેન્ટોનાઇટની ખાણમાંથી ઘણા ખેડૂતો ઘણા ખેડૂતો પાણી વાપરી પોતાની પિયત ખેતીને પિયત કરી રહ્યા છે અને તેમાંથી પોતે તેમજ અન્ય લોકોને  રોજગારી મળી રહી છે. જેથી આ વિષય એક મહત્ત્વનો મુદ્દો હોઇ તાત્કાલિક ધોરણે યોગ્ય  નીતિની રચના કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. લીઝ ટ્રાન્સફર અંગેની પોલિસી મુજબ અરજી કર્યા બાદ વર્ષો સુધી લીઝ ટ્રાન્સફર થતી નથી. નવી પોલિસી આવ્યા બાદ હેક્ટર દીઠ ટ્રાન્સફરથી નક્કી કરવામાં આવે છે તો તે માટે સરળ પ્રક્રિયા કરવામાં આવે તેમજ ટ્રાન્સફર ફી ભર્યાના દિવસથી લીઝ ટ્રાન્સફર ગણવામાં આવે એવી પોલિસી ઘડવાની જરૂર છે, જેથી આ વિશે યોગ્ય કરવા તથા સિટીઝન ચાર્ટરનો અમલ થવા પણ જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer