પૂર્વ બન્નીના ગામડાઓને વન્ય અભયારણ્યમાં ન સમાવવા માંગ

ભુજ, તા. 25 : કચ્છના વન્ય અભયારણ્ય અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જે અંગે પૂર્વ બન્નીના ગામડાઓના વિસ્તાર વન્ય અભયારણ્યમાં આવી જતાં સખત વિરોધ સાથે, વનવિભાગમાં વાંધા અરજી રજૂ કરાઈ હતી. ઉપરોકત વિષયે પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન જુમા ઈસા નોડેની યાદીમાં જણાવાયા મુજબ, પૂર્વ બન્નીના જુદા-જુદા ગામડાઓના ગામતળ, સીમતળ અને મંદિરો, મસ્જિદ તેમજ સાધારા ગામની પ્રસિદ્ધ નાગેશાવલીની દરગાહ તેમજ રહેણાકના મકાનો પૂર્વ બન્નીના ગામડાઓના વિસ્તાર વન્ય અભયારણ્યમાં આવી જતાં વિરોધ નોંધાવાયો છે. જેથી નીચે મુજબના ગામડાઓને વન્ય અભયારણ્ય વિસ્તારથી ત્રણ કિ.મી. દૂર રાખવા માગણી કરાઈ હતી.   આ વિસ્તારોમાં સાધારા, દદ્ધર મોટી-નાની, લાખારા, રૈયાડા ગ્રામ પંચાયત, ઉડઈ, લખાબા, બેરડો, નોખડિયાડો, વેલારા વિ.ને દૂર રાખવા માંગ કરી હતી.  ઉપરોકત ગામડાઓને જંગલખાતા તરફથી અવારનવાર હેરાન-પરેશાન અને કનગડત કરાતી હોવા અંગે અગાઉ પણ વાંધા સાથે રજૂઆતો કરાઈ હોવાનું જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer