કોરોનાના નવા વેરિઅન્ટથી રાજ્યો સાવધ રહે

નવી દિલ્હી, તા. 25 : ખાસ કરીને યુરોપીય દેશો સહિત દુનિયામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ઉચાટ જગાવનારા સમાચારરૂપે દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગ સહિત વિશ્વના કેટલાક દેશોમાં  કોરોનાનો બેહદ સંક્રામક એવો નવો વેરિઅન્ટ મળતાં ભારતની સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને  એલર્ટ જારી કર્યો છે. ખાસ કરીને વિદેશોથી આવતા યાત્રિઓનું ટેસ્ટીંગ કડકાઇ સાથે કરવાની સૂચના સરકારે ગુરુવારે ભારપૂર્વક આપી હતી. દક્ષિણ આફ્રિકા ઉપરાંત બોત્સવાના, હોંગકોંગ સહિત દેશોમાં  બી. 1.1.529 નામે ઓળખાતો નવો વેરિઅન્ટ મળી આવ્યો છે. જે ગતિભેર સંક્રમણ ફેલાવતો  હોઇ, આરોગ્ય મંત્રાલયે  એલર્ટ જારી કર્યો છે. વિદેશોથી આવતા લોકોનું ટેસ્ટીંગ કડક રીતે કરવાની સાથો સાથ કોઇ યાત્રિ સંક્રમિત નીકળે તો તેના નમૂના જીનોમ સિકવંસીંગ લેબોરેટરીને મોકલવા આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે.નવા વેરિઅન્ટ અંગે આરોગ્ય મંત્રાલયે સંબંધિત વિભાગોને  સખતપણે સલાહ આપી હતી કે, કોઇ પણ વિદેશથી આવેલા યાત્રિ સંક્રમિત નીકળે તો તેમનાઆરટીપીસીઆર રિપોર્ટ નિયમિતરૂપે જીનોમ સિકવંસીંગ માટે મોકલવાના રહેશે.વાયરોલોજિસ્ટ ટયુલિયો ડીઓલિવેરાએ ખાસ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, અમે એક નવો વેરિઅન્ટ પકડી પાડયો છે. કમનસીબે આ વેરિઅન્ટ જ દક્ષિણ આફ્રિકામાં વધવા માંડેલા સંક્રમણનું મુખ્ય કારણ છે. આ વેરિઅન્ટ બી.1.1.529ના નામથી ઓળખાય છે. બોત્સવાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાથી ગયેલા યાત્રીઓનો ટેસ્ટ કરાતાં નવો વેરિઅન્ટ મળી આવ્યો છે તેવું વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer