દિલ્હી આવું ત્યારે સોનિયા ગાંધીને મળવું ફરજિયાત નથી : મમતા

આનંદ કે. વ્યાસ તરફથી - નવી દિલ્હી, તા. 25 : મેઘાલયમાં કોંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી 12 સભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ જતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમાનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમણે મમતા બેનરજીના શબ્દોનો પુનરુચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દેશમાં મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે સંસદના બે મુખ્ય વિપક્ષ, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની તિરાડ વધુ પહોળી થઈ છે. વિભાજિત વિપક્ષ, મોદી સરકાર માટે સારી સ્થિતિ હોય તો પણ વિરોધપક્ષો દ્વારા ઊઠાવવામાં આવેલા મુદ્દાઓ સરકારને મુશ્કેલીમાં મૂકી શકે છે.તૃણમૂલ પ્રમુખ મમતા બેનરજી ત્રણ દિવસથી દિલ્હીમાં હોવા છતાં તેમણે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવાની તસ્દી ન લેતાં બંને પક્ષ વચ્ચેની ખાઈ વધુ પહોળી થઈ છે. મમતાએ જણાવ્યું હતું કે, પોતે જ્યારે પણ દિલ્હી આવે ત્યારે સોનિયા ગાંધીને મળવાનું ફરિજયાત નથી.મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ઉપરાંત કોંગ્રેસ સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે વધુ સારો સમન્વય સાધવા અંગે પણ વિચાર કરશે.વિસ્તારવાદી તૃણમૂલ કોંગ્રેસ વિરોક્ષપક્ષોમાં જ પોતાનું બળ દેખાડી રહી હોવાથી કોંગ્રેસ એક જુદી જ સ્થિતિનો સામનો કરી રહી છે. કોંગ્રેસની સરખામણીમાં પ્રાદેશિક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ, સંસદમાં વધુ આક્રમક અને કોઓર્ડિનેટેડ રહી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer