ભારતમાં કોરોનાથી દૈનિક મૃત્યુ નવ દિવસમાં 121 ટકા વધ્યાં

નવી દિલ્હી, તા. 25 : ભારતમાં દરરોજ સામે આવતા નવા તેમજ સારવાર લેતા સંક્રમિતોની સંખ્યા તો ઘટવા માંડી છે, પરંતુ છેલ્લા નવ દિવસના આંકડા પર એક નજર કરીએ, તો રોજ કોરોનાથી થતાં મૃત્યુના દરમાં 121 ટકા સુધી વધારો આવ્યો છે, ત્યારે ચિંતા સાથે કેન્દ્ર સરકારે દેશનાં 13 રાજ્યોને એલર્ટ જારી કર્યો છે. આજે નવા 9119 દર્દી ઉમેરાયા હતા, તો 396 દર્દીનાં મોત થયાં હતાં. ગત 15મીનવેમ્બરના દિવસે દેશમાં 197 દર્દીનાં મોત થયાં હતાં, તો 23મી નવેમ્બરના દિવસે આ મૃત્યુનો આંક 437 પર પહોંચી ગયો હતો. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશનાં 13 રાજ્યોને પત્ર લખી ટેસ્ટિંગની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટેસ્ટિંગ વધારવાની તાકિદ કરી હતી.આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પશ્ચિમ બંગાળ, ગોવા, કાશ્મીર, કેરળ, લદ્દાખ, મહારાષ્ટ્ર, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને સિક્કીમને પત્ર લખ્યો છે.ભારતમાં સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યા 1.10 લાખથી પણ નીચે ચાલી ગઇ છે. દેશમાં ગુરુવારે સારવાર લેતા દર્દી 539 દિવસમાં સૌથી ઓછા રહી ગયા હતા.દેશમાં 9119 નવા દર્દી ઉમેરાતાં કુલ સંખ્યા 3,45,44,882 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં વધુ 396 દર્દી `કોરોનાનો કોળિયો' બની જતાં કુલ 4,66,980 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે.આજે વધુ 1541 કેસના ઘટાડા બાદ આજની તારીખે માત્ર 1,09,940 દર્દી સારવાર લઇ રહ્યા છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.32 ટકા છે.દેશના વિવિધ રાજ્યોમાં 24 કલાક દરમ્યાન વધુ 10,264 દર્દી સાજા થતાં 3,39,67,962 સંક્રમિતો સ્વસ્થ થઇ ચૂક્યા છે.સાજા થતા દર્દીનો દર એટલે કે રિકવરી રેટ વધીને 98.33 ટકા થયો છે. સંક્રમિતોનો દૈનિક દર 0.79 ટકા છે.દેશમાં અત્યાર સુધી 119.38 કરોડથી વધુ લોકોને ચીની વાયરસ સામે રસીનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer