`આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત''

નવી દિલ્હી/ અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે રફતાર પકડી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે, એમ  નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફા વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી અને દેશના અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા -ગુજરાતમાં રોકાણો કરવા આમંત્રણ પાઠવ્યું હતું.  મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના દિશા દર્શનમાં હવે તો આ સમિટ ગ્લોબલ નોલેજ શારિંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઈ છે. આગામી 10 જાન્યુઆરી 2022ના રોજ આ ગ્લોબલ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે. આ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સી.ઈ.ઓ; વિવિધલક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન દ્વારા 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કરેલું છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટીને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના આહ્વાનને સુસંગત આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની આ થીમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓની  પ્રસ્તુતિ આ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ કર્ટેઇન રેઇઝર કાર્યક્રમમાં કરી હતી. દેશ અને દુનિયાના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ  પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન (મૂડી રોકાણ માટે સૌથી પસંદગીનું સ્થાન)?બન્યું છે. ગુજરાતે દેશમાં સૌથી વધુ એફ.ડી.આઈ એટલે કે 21.9 યુ.એસ. બિલિયન ડોલર જેટલું રોકાણ  2021ના વર્ષમાં મેળવ્યું છે. એટલું જ નહીં લીડ્સ ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે 2018, 2019 અને 2021માં ટોપ પર રહી સફળતાની હેટ્રિક નોંધાવી છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતના ભાવિ વિકાસ-ગ્રોથની શહેરમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બનશે. ગુજરાત ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગીફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ સાથે આવા મેગા પ્રોજેક્ટ ક્ષેત્રમાં પણ યોગદાન આપશે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું. કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના 30 ગીગાવોટનું પ્રદાન 2023 સુધીમાં ગુજરાત આપતું થશે.કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આ સમિટનું વિચારબીજ પ્રધાનમંત્રી શ્રી મોદીએ રોપ્યું હતું. આજે જે વાઈબ્રન્ટ સમિટની સફળતા આપણે જોઈ રહ્યા છીએ તેની પાછળ વડાપ્રધાનની 20 વર્ષની તપસ્યા રહેલી છે. ગુજરાતમાં ઉદ્યોગ વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ મળી જ રહેશે પરંતુ ગુજરાતની સૌથી મોટી તાકાત ત્યાંની પરોણાગત છે.કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતની આ યાત્રામાં રાજ્યએ બે મોટા સીમાચિહ્નો અંકિત કર્યા છે. મુખ્ય સચિવ પંકજકુમારે સૌને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ પાઠવતા કહ્યું કે, ગુજરાતમાં ધોલેરા સર અને ગીફ્ટ સિટી જેવા વિશાળકાય પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું ચાલકબળ છે. એટલુ જ નહીં ગુજરાત પાસે મજબુત એમ.એસ.એમ.ઇ.નું ઉદ્યોગ માળખું છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે રાજ્યની ઔદ્યોગિક-આર્થિક વ્યવસ્થાની વિશેષતા અને વિકાસ સંભાવનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં મુડી રોકાણની તકોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું. આ કર્ટન રેઈઝર રોડ-શોમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવાસિંહ ચૌહાણ, દર્શનાબહેન જરદોશ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાસનાથન સહિત ભારત સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer